સુરતઃ સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર સુરત પુણા નિયોલ ચેક પોસ્ટ નજીકથી 5.85 લાખના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. SOG પોલીસે બાતમીના આધારે પ્રવીણ બિશ્નોઇ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી હતી.
10 હજાર કિલોગ્રામ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપીને એમડી ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે સુરત પોલીસ કમિશનરે પત્રકારોને જણાવ્યુ કે, સરથાણાના રહેવાસી જેમીન છગન સવાણીએ MD ડ્ર્ગ્સ મંગાવ્યું હતું. MD ડ્રગ મુંબઇથી આવતુ હતુ જો કે પોલીસની કામગીરીથી આ રૂટ બંધ થયો છે. એટલે હવે મુંબઇથી વાયા રાજસ્થાન થઇ ગુજરાતમાં MD ડ્રગ્સ લાવવામાં આવી રહ્યુ છે. જો કે પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખી રાજસ્થાનના મોસ્ટ વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો.
અગાઉ 10 હજાર કિલો ગ્રામ ડ્રગ્સ કેસમાં પણ આરોપી વોન્ટેડ હતો. માહિતીના આધારે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી પોલીસે બિશ્નોઈની ધરપકડ કરી હતી. આરોપી પર રાજસ્થાનમાં 15 ગુના નોંધાયેલા હોવાની પણ જાણકારી છે. આ સાથે પોલીસ કમિશ્નરે ગુજરાતની જનતાને અપીલ કરી કે, ડ્રગ્સનો મુદ્દો હળવાશથી ન લેવો. કોઇ પણ જાણકારી મળે તો તુરંત પોલીસને જાણ કરવી.
તો આ તરફ ગઈકાલે અમદાવાદના સાણંદ- સરખેજ હાઈવે પરથી પોલીસે બે આરોપીની MD ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને માહિતી મળી હતી કે શાહનવાઝ ગાંગી અને મોહમંદ વોરા MD ડ્રગ્સનો જથ્થો લઈ અમદાવાદ તરફ આવી રહ્યા છે. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ વોચ ગોઠવી હતી. આ સમયે બંને શખ્સો પસાર થતા પોલીસે અટકાવ્યા અને તપાસ કરતાં બંન્ને પાસેથી 17.50 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંનેની બે લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.