સુરતમાં નોકરાણીએ શેઠાણીના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ખટોદરા અંબા નગરમાં એક મહિલાએ પોતાની શેઠાણીના માનસિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. વાસ્તવમાં મૃતક જયશ્રી જાદવ ઘર કામ કરતા હતા. દરમિયાન જેમના ઘરે કામ કરતા હતા તે શેઠાણી પાસેથી મૃતક મહિલાએ બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પરંતુ બાદમાં શેઠાણી તરફથી કરવામાં આવતી પઠાણી ઉઘરાણીથી કંટાળીએ મહિલાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
મૃતક મહિલાના પતિ ગૌતમ જાદવે શેઠાણી પર આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની જયશ્રીએ ઘર લેવા માટે શેઠાણી પાસેથી 2 લાખ ઉછીના લીધા હતા. પ્રતિમાસ હજાર-બેહજાર પાછા આપવાની શરતે આ રૂપિયા લીધા હતા પરંતુ શેઠાણી તરફથી વારંવાર રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. જેનાથી જયશ્રી ખૂબ માનસિક તણાવમાં રહેતી હતી. આખરે તેણે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક મહિલાએ મરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેણે પોતાના મોત માટે શેઠાણીને જવાબદાર ગણાવી હતી. સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી.
ગૌતમ જાદવએ જણાવ્યું હતું કે જયશ્રી સાથેના 23 વર્ષના લગ્ન જીવનમાં તેમને બે દીકરીઓ છે. હાલ બન્ને અભ્યાસ કરી રહી છે. અમે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જયશ્રી ઘર કામ કરતી અને હું છૂટક કામ કરતો હતો. આજે જયશ્રી ઘર કામ પર ગઈ ન હતી. વધુમાં તેણે કહ્યું હતું કે અમે 3 મહિલા પહેલા ઘોડદોડ રોડ કરીમાં બાદ સોસાયટીના એક બંગલામાં કામ પણ કરતા અને ત્યાં જ શેઠાણીના સગાના ઘરે રહેતા હતા. વર્ષો જૂની નોકરી હોવાથી જયશ્રીએ નવા મકાનની ખરીદી માટે શેઠાણી પાસેથી 2 લાખ રૂપિયા દર મહિને હજાર- બે હજાર પગારમાંથી આપવાની શરતે લીધા હતા. જોકે 3 મહિના બાદ વારંવાર શેઠાણી રૂપિયા પરત માંગવા લાગી હતી. જેનાથી કંટાળીને અમે નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ શેઠાણી ફોન પર ધમકાવવા લાગી હતી. છેલ્લે 15 જુલાઈ સુધીમાં 2 લાખ આપી જવાનું કહી ધમકી પણ આપી હતી. આ મામલે જયશ્રી માનસિક તણાવમાં રહેતી હતી. અમારી પાસે શેઠાણી સાથે થયેલી વાતચીતનું કોલ રેકોડિંગ પણ છે. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.