Surat News: હાલમાં વરસાદ વરસી રહ્યો છે  ત્યારે સાપના દરમાં પાણી હોય તેઓ બહાર આવે છે અને જગ્યા ન મળવાથી વાહનોના ગેપમાં પહોંચી જાય છે. જેના કારણે વાહન ચાલક ડ્રાઇવિંગ વખતે અચાનક સાપ જુએ તો ઘણી વખત ગભરાઈ જાય છે અને આ કારણે અકસ્માતની પણ શક્યતા રહે છે. સુરતમાં એક્ટિવામાં સાપ જોવા મળ્યો હતો. વેસુના સફલ સ્કવેર પાસે ઉભેલી એક્ટિવાના હેન્ડલ પાસે લીલા રંગનો સાપ જોવા મળ્યો હતો. જે બાદ વાહન ચાલક દ્વારા પ્રયાસ જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવી હતી.  પ્રયાસ સંસ્થાના સ્વયંસેવકોએ સ્થળ પર પહોંચીને સલામત રીતે સાપને બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો. જે બાદ એક્ટિવા ચાલકના જીવમાં જીવ આવ્યો હતો.


પાર્લે પોઇન્ટ પર ચાલુ મોપેડે જોવા મળ્યો સાપ


સુરતમાં ચાલી રહેલા વરસાદી માહોલમાં શહેરના ટ્રાફિકના સૌથી વ્યસ્ત એવા પાર્લે પોઇન્ટ બ્રિજ પરથી ચાલુ મોપેડ માંથી અત્યંત ઝેરી  એવા ક્રેટ સાપને મુક્ત કરવામાં આવ્યો હતો. બ્રિજથી પરથી પસાર થતા એક મોપેડમાં ચાલકને સાપ હોવાનો અહેસાસ થતા તેમણે મોપેડ બાજુએ મુકી દઈને જીવદયા પ્રેમી સંસ્થાનો સંપર્ક કર્યો હતો. સંસ્થાના સ્વયંસેવકોએ  મોપેડનો કેટલોક ભાગ તોડીને ઝેરી સાપને બહાર કાઢી લેતાં ચાલકનો જીવ હેઠે બેઠો હતો.




સુરતમાં સતત ટ્રાફિકથી ધમધમતા એવા પાર્લે પોઇન્ટ બ્રિજ પર ગઈકાલે મોડી રાત્રે એક મોપેડ પસાર થઈ રહ્યું હતું તેના ચાલકને સ્ટેરીંગ પર સાપ હોવાનો અહેસાસ થતા તેણે સમય સુચકતાનો ઉપયોગ કરીને મોપેડ સાઈડ પર મુકી દીધું હતું.  સ્ટીયરીંગ અંદરના ભાગે સાપ જતો ચાલકે જોતાં તે ડરી ગયો હતો અને જીવદયા માટે કામ કરતી સંસ્થા પ્રયાસની હેલ્પલાઇન પર ફોન કર્યો હતો. થોડી જ વારમાં જીવદયના સ્વયંસેવકો પહોંચી ગયા હતા. જેમને ઘણો જ ઓછો જોવા મળતો અને નિશાચર એવો સૌથી વધુ ઝેરી કાળોતરો ( ક્રેટ) સાપ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, સ્ટીયરીંગ વચ્ચે સાપને બહાર કાઢવાની શક્યતા ઓછી  હતી અને સાપ સ્ટીયરીંગ માંથી અંદર અન્ય ભાગમાં ઉતરી ગયો હતો.  આ સાપ અત્યંત ઝેરી હોય સાપને બહાર કાઢવા માટે મોપેડ ચાલકની સહમતીથી મોપેડના કેટલાક ભાગને તોડી નાંખવામાં આવ્યો હતો.  સ્ટીયરીંગ માંથી સાપ મોપેડ ની વચ્ચેના ભાગમાં પહોંચી ગયો હતો તેને તોડીને સાપને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. આ સાપ બહાર નીકળતા વાહન ચાલકનો જીવ પણ હેઠો બેઠો હતો.




વાહન ચાલકોને  કરવામાં આવી અપીલ


હાલ ચોમાસામાં સાપના દર પુરાતા તેઓ બહાર આવે છે, તેથી લોકો પોતાના વાહનો તકેદારીથી ચલાવે તેવી અપીલ  જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. તેના કારણે આવા અકસ્માતથી બચવા માટે વાહન ચલાવતા પહેલા ચેક કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.