સુરત: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે અને તેમને માથું લોહી લુહાણ થયું છે. આમ આદમી ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.


 






આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.


 




વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટને લઈને સુખરામ રાઠવાનું મોટું નિવેદન


છોટાઉદેપુર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ કાઉન્ટડાઉન શરૂ કરી દીધુ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે. હવે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના 64 ધારાસભ્યોની ટિકિટની વાલી તરીકે જવાબદારી મારી છે. એમની ટિકિટ ના કપાઈ એ જવાબદારી મારી પરંતુ સર્વેમાં એમની કામગીરી નહિ હોય તો મિનિમાઈઝ કરાશે. સુખરામ રાઠવાના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. જો હવે કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે એતો આવનારા સમયમાં જ ખબર પડશે.


પાટીદાર સમાજ કયા પક્ષ સાથે?


નર્મદાઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના નર્મદા નદીને કરી હતી. નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.  દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે અને સંગઠન ને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે.


આગામી વિધાનસભા માટે કહ્યું કે પાટીદાર સમાજ ભોળો સમાજ છે અને દરેક પક્ષ માં ફેલાયેલો સમાજ છે. ખોડલધામના નેજા હેઠળ કોઈ પક્ષ ની વાત કરવી એ વ્યાજબી ન ગણાય. કોઈ પણ સમાજના સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયને આવે તો ગુજરાતનું ભલું થાય. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી બને નહીં. ચૂંટણીનો માહોલ બને ત્યારે નક્કી થશે કે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થશે કે શું થશે તે.


8 મહાનગરપાલિકા માટે રૂપિયા 50 કરોડની ફાળવણી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગ આપવા આજે રાજ્યની 8 મહાનગરપાલિકા માટે રૂપિયા 50 કરોડની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે આ ફાળવણી કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે રૂ. પ૦ કરોડની ફાળવણી કરી. આ અંતર્ગત મહાનગરોમાં રસ્તા, પાણી, ગટર લાઇન, સ્ટ્રીટલાઇટ સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ બનાવવાના કામો હાથ ધરાશે.