સુરત: ABVP દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ABVP દ્વારા અઠવાલાઇન્સ એમ.ટી.બી કોલેજનું પેપર એક દિવસ પેહલા જ ખોલી નાખ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરીક્ષા વખતે સંસ્કૃતનું પેપેર સીલ બંધની જગ્યાએ ખુલ્લું લાવતા પેપર ફૂટ્યું હોવાનો વિધાર્થીઓનો આરોપ છે. હંગામો થતા યુનિવર્સીટીએ તાકીદે તપાસ માટે સમિતિ નીમી છે. પેપર ફૂટ્યાના આરોપ પર આજે ABVP કુલપતિને આવેદન પાઠવી વિરોધ કર્યો હતો. સ્ટ્રોંગ રૂમથી લીક થયાની શંકા રાખી એબીવીપીએ કોલેજ પાસેથી સીસીટીવી ફૂટેજ માંગ્યા છે.


સ્ટ્રોંગ રૂમમાંથી બીએ સેમેસ્ટર-૩નું પેપર લીક થયું હોવાની શંકા


સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં ચાલી રહેલી પરીક્ષામાં એમટીબી કોલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી બીએ સેમેસ્ટર-૩નું પેપર લીક થયું હોવાની શંકા સાથે એબીવીપીએ સ્ટ્રોંગ રૂમ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજની માંગણી કરવામાં આવી છે. એબીવીપી દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર -૩ની પરીક્ષા ચાલી રહી છે. એમટીબી આર્ટસ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. જે તે પરીક્ષાના પ્રશ્ન પત્ર પરીક્ષા કેન્દ્ર પર આગલી સાંજે આશરે 05:30 એ આવી જાય છે.


દરેક કોલેજ કેન્દ્રના સ્ટ્રોંગ રૂમના સીસીટીવી લાઇવ યુનિવર્સિટીમાં હોવું જોઈએ. પરંતુ યુનિવર્સિટી પાસે સ્ટ્રોંગ રૂમના કોઈ ફૂટેજ ઉપલબ્ધ નથી. સીસીટીવી ફૂટેજ વગરનાં સ્ટ્રોંગ રૂમથી છેલ્લા ઘણા સમયથી પ્રશ્નપત્રો લીક થઈ રહ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશ્નપત્રોનું સીલપેક કવર યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા સમયે ખોલવાની જગ્યાએ આગલી સાંજે જ સીલ ખોલી દેવામાં આવે છે.  આ બાબત કોલેજ પ્રસાશન પણ સ્વીકારે છે. એમટીબીના સ્ટ્રોંગ રૂમ રાત્રેમાં રાત્રે જ પેપરનું કવર ખુલી જતું હોવાની શંકા છે. સીસીટીવી ફુટેજ આપવામાં પણ કોલેજ તૈયાર નથી ત્યારે શંકા દ્દઢ બને છે. આ પરથી યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં ચાલતી લોલમલોલ બહાર આવી રહી છે. ત્યારે કોપી કેસમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતી યુનિવર્સિટી હવે આ કોલેજ સામે પણ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે..


પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે


બીજી તરફ અઠવાલાઇન્સ એમ.ટી.બી કોલેજનું પેપર એક દિવસ પહેલા જ ખોલી નાખ્યા હોવાનો આરોપ લગાવ્યો છે ત્યારે ABP અસ્મિતાએ MTB કોલેજના આચાર્ય ભાવના બેન ચાંપાનેરી સાથે વાત કરી હતી. આચાર્યએ કહ્યું સંસ્કૃત પેપર લીક થયું નથી. પેપર સેટમાં OMR શીટ અને પેપર સાથે આવે છે,એને અલગ કરવાના હોય છે. પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે,એટલે થોડા સમય પહેલા સીલ ખોલવા પડે છે.