Sumul Dairy Controversy: સુમુલ ડેરી વિરુધ ફરી વિરોધના વંટોળ ઉઠી રહ્યા છે. એક સપ્તાહમાં બીજી વખત દૂધ મંડળીના પ્રમુખોની મીટીંગ મળી છે. આ દરમિયાન કહેવામાં આવ્યું કે, જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લાભ પંચમથી દૂધ બંધ કરવાની અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.


સુમુલ ડેરી તાપી અને સુરત જિલ્લાની જીવાદોરી સમાન છે. તાપી અને સુરત જિલ્લાના મળી કુલ ૨.૫૦ લાખ સભાસદો આ ડેરી પર નભે છે. પરંતુ હાલ આ અઢી લાખ સભાસદો સુમુલ ડેરીથી નારાજ ચાલી રહ્યા છે અને સુમુલ વિરુદ્ધ હાલ મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. કુલ ૮ જેટલી માંગોને લઇને હાલ આ સભાસદો સુમુલ ડેરીથી નારાજ ચાલી રહ્યા છે. સુમુલ ડેરીમાં હાલ સુરત-તાપી સિવાય મહારાષ્ટ્રથી દૂધ લેવામાં આવે છે અને આજ આંતરરાજ્યથી આવતા દૂધને લઇ સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે. મંડળીના પ્રમુખો દ્વારા આ સમસ્યાઓને લઇને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી આપી છે.


દરેક મેનેજરના પીએ રાખવામાં આવ્યા છે


સુમુલ ડેરી સહકારી સંસ્થા છે પરંતુ દૂધ મંડળીના પ્રમુખો આક્ષેપ કરી રહ્યા છે કે હાલ સુમુલ ડેરીમાં અંગ્રેજો જેવી સરમુખત્યારશાહી ચાલી રહી છે. સુમુલ ડેરી કોન્ટ્રાકટરોના હાથમાં આપી દેવામાં આવી છે. એક સમય હતો જયારે સુમુલ ડેરી એક એમડી અને ત્રણ મેનેજરોથી ચાલતી હતી પરંતુ આજે એક એમડી અને ૨૫ જેટલા મેનેજર અને દરેક મેનેજરના પીએ રાખવામાં આવ્યા છે જેના પગાર લાખોમાં છે અને જેનો બોજો સભાસદો પર પડી રહ્યો છે.


વર્ષે ૭૫૦ કરોડ રૂપિયાની કમાણી


સુમુલ ડેરી દ્વારા છેલ્લા ૨ વર્ષ માં બે-બે રૂપિયા કરીને ને લગભગ ૧૦ રૂપિયાનો લીટર દીઠ પશુપાલકોને ભાવ વધારો આપવામાં આવ્યો છે પરંતુ તેની સામે સુમુલ ડેરી દૂધ,દુધની અન્ય બનાવટ તેમજ દાણમાંથી લગભગ વર્ષે ૭૫૦ કરોડ રૂપિયાની કમાણી કરે છે અને તેની સામે દૂધ વધારાના માત્ર ૨૦૦ કરોડ જ ચુકવવામાં આવે છે તો બાકીના પૈસા ક્યાં જાય છે તે બાબતે પણ મંડળીના પ્રમુખો સવાલ ઉઠાવી રહ્યા છે. 


દૂધ બંધ કરી દેવાની ચીમકી ઉચારી


તાપી અને સુરત જીલ્લાના પશુપાલક સભાસદોની કુલ ૮ માંગો છે જે પૈકીની એક પણ માંગ સ્વીકારવામાં નથી. આવી ૧૫ દિવસ પહેલા સુરત અને તાપી જીલ્લાના સભાસદો દ્વારા સુરત સુમુલ ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સુમુલ સંચાલકો દ્વારા આ પશુપાલકોને ૭ દિવસમાં બોર્ડની મિટિંગ બોલાવી સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની બાહેધરી આપવામાં આવી હતી. પરંતુ વાતને ૧૫ દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવતા પશુપાલકો ફરીથી રોષે ભરાયા છે અને ઉગ્ર આંદોલનની તેમજ લાભ પાંચમના દિવસથી દૂધ બંધ કરી દેવાની ચીમકી ઉચારી રહ્યા છે.