સુરત: સુરતના કામરેજ તાલુકમાં સેન્ટ્રલ GST ઇન્સ્પેકટર અને સુપ્રીટેન્ડન્ટને 15 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. નાનપુરા સ્થિત GST કચેરીમાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એક્સાઇઝના સુપ્રીટેન્ડન્ટ જસ્ટિન કાંતિલાલ માસ્ટર સહિત ઇન્સ્પેકટર આશિષ રણવીરસિંહ ગેહલાવત લાંચમાં ઝડપાયા છે. બંને અધિકારીઓ સહિત એક અન્ય વ્યક્તિને પણ એસીબીએ ઝડપી લીધો છે. આ અધિકારીઓ દ્વારા યાર્નના વેપારી પાસેથી લાંચ માંગવામાં આવી હતી. યાર્નના વેપારી પાસે પુરાવા વગર ભાગીદારી પેઢી ચલાવતા હોવાનું કહી રૂ 15 હજારની લાંચ માગનાર સેન્ટ્રલ જીએસટી વિભાગના 2 કર્મચારીઓ સહિત 3 ને એસીબી દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. જો કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક ક્લાસ-2 અધિકારી છે. અધિકારી લાંચ લેતા ન માત્ર સંબંધિત વિભાગમાં પરંતુ સામાન્ય નાગરિકોમાં પણ ચકચાર મચી ગઇ છે.
કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલ દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ GST વિભાગના અધિકારીઓ આરોપી વેરીફીકેશન માટે ગયેલા અને દુકાનની વિઝીટ કરી દસ્તાવેજી પુરાવા માંગેલા. ભાગીદારી પેઢીમાં કોઇ બેનર કે ડીસપ્લે લગાવેલ નથી, તે અંગે રજુ કરેલ પુરાવાને ધ્યાને ન લઇ સાહેદ અને ફરીયાદીને અત્યાર સુધી રૂપિયા 38,00,000/- (આડત્રીસ લાખ)નો ધંધો કરેલ છે અને ધંધા બાબતે પુરાવા દુકાનમાં દેખાતા નથી અને ધંધો શંકાસ્પદ હોવાનું ફરીયાદી અને સાહેદને જણાવી કાયદેસર કાર્યવાહી કરવાનું કહી પેનલ્ટીની વાત કરી પ્રથમ રૂપિયા 20 હજાર લાંચની માંગણી કરી હતી.
બાદમાં સુરત શહેર વિસ્તારમાં લંબે હનુમાન રોડ ઉપર આવેલ ફરીયાદીના ભાઇના સી.એ. ની ઓફીસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા આરોપી આવેલા તે વખતે રકઝકના અંતે ફરીયાદી પાસે છેલ્લે રૂપિયા 15 હજાર લાંચની માંગણી કરેલી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરેલ અને રૂપીયા 15,000/- ની લાંચની રકમ સ્વીકારી હતી. આમ, લાંચના છટકા દરમ્યાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી એકબીજાના ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 15,000/- ની લાંચની માંગણી કરેલ અને ઉપરોકત જણાવ્યા મુજબ આરોપી લાંચની રકમ સ્વીકારેલ હોવાથી, ઉપરોકત ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીમાં ગુનો કરેલ હોવાથી, ત્રણેય આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.