સુરત:  સુરતના લિંબાયત વિસ્તારમાં 5 વર્ષની બાળકીને આઈસ્ક્રીમ આપવાની લાલચ આપી તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મના ઇરાદે નરાધમે શારીરિક અડપલાં કર્યા હોવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. જેને લઈને પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે 22 વર્ષય નરાધમ આરોપી અંકિત કુમારની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે. 


યુવાન સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે


લિંબાયતમાં ઘર પાસે રમી રહેલી બાળકીનું અપહરણ કરી આઈસ્ક્રીમની દુકાને લઇ જઇ છેડતી કરનાર યુવાન સામે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. યુવાન ઉંચકીને અન્ય સ્થળે લઇ જતો હતો. આ દરમિયાનમાં પડોશી આવી જતા બાળકી બચી ગઇ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, લિંબાયતના મારૂતિનગર વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની 5 વર્ષ 9 માસની બાળકી તારીખ 19મીની રાત્રે આઠ વાગ્યા આસપાસ ઘર નજીક રમી રહી હતી. ત્યારે એક યુવક આવ્યો હતો અને બાળકીનું મોઢું દબાવી નજીકમાં આવેલી દુકાન પર લઇ ગયો હતો. જ્યાં બાળકીને ચોકલેટ આપ્યા બાદ એક આઈસ્ક્રીમની દુકાન પર લઇ ગયો હતો. દુકાન પાસે ખુરશી પર બાળકીને બેસાડી આઇસ્ક્રીમ ખવડાવ્યા બાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. બાદમાં બાળકીને ઉંચકીને લઇ જતો હતો. ત્યારે જ તેની પડોશી મહિલા ત્યાંથી પસાર થઇ હતી. તેણે બાળકીને અજાણ્યા યુવકના હાથમાં જોતા પોતાની પાસે બોલાવી લેતા યુવકે કાલે આવજે એમ કહીને જતો રહ્યો હતો. 


ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી 


ઘરે આવ્યા બાદ બાળકીએ તમામ હકીકત જણાવતા તેના માતા-પિતા આઈસ્ક્રીમની દુકાને પહોંચ્યા હતા. જ્યાં પહોંચી માતા-પિતાએ સીસીટીવી ચેક કરતા વાદળી કલરનું ટી-શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલો યુવક બાળકીની છેડતી કરતો નજરે પડ્યો હતો. આ બનાવ અંગે બાળકીની માતાએ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી અંકિત કુમાર હોવાનું સામે આવ્યું છે. બાળકી સાથે અડપલા કરનાર આરોપી નજીકના વિસ્તારમાં રહે છે અને મીઠાઈની દુકાનમાં કારીગર તરીકે કામ કરી રહ્યો છે.  હાલ તો આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.