સુરતઃ ગુજરાતમાં કોરોનાના કહેરને પગલે રાજ્યના સુરત, વડોદરા, રાજકોટ અને સુરતમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે અને રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોઈ પણ પ્રકારના કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં કર્ફ્યૂ વચ્ચે પાસના નેતા અલ્પેશ કથીરિયાની જન્મ દિવસની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. અલ્પેશની બર્થડે પાર્ટીનું આયોજન કોંગ્રેસના નેતા અને કોર્પોરેટર નિલેશ કુંભાણીએ કર્યું હતું. અલ્પેશ ઉપરાંત નિલેશની પણ પોલીસે અટકાયત કરી છે. નિલેશ કુંભાણીનો જવાબ લેવા કામરેજ પોલીસ મથક બોલાવાયા છે.


નિલેશે પોલીસ પર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, સી.આર. પાટીલ મોટા મોટા કાર્યક્રમો કરે છે, તો ત્યાં પોલીસ પહોંચતી નથી અને અમારે ત્યાં આવે છે. ગઈ કાલે રાત્રે અલ્પેશ કથીરિયાએ કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં જન્મ દિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બર્થ ડે પાર્ટીમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન તો કર્યું હતું. સાથે માસ્ક પણ નહોતા પહેર્યા. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અલ્પેશ કથીરિયાની તેના ઘરેથી અટકાયત કરી છે. આ સાથે અન્ય ચારની પણ કામરેજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ ઘટનામાં ચાર પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પાસ નેતા અલ્પેશ કથિરિયાના જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરાયું હતું. ફાર્મહાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી. અહીં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. આ સમગ્ર પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા છે.