સુરતઃ એટ્રોસિટીના કેસમાં ત્રણ મહિનાના જેલવાસ પછી બહાર આવેલા પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ વિશે ચોંકાવનારું નિવેદન કર્યું છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, હાર્દિક પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે પણ કોંગ્રેસમાં નિષ્ફળ ગયો છે. ગુરૂવારે જેલમુક્ત થયેલા અલ્પેશ કથીરિયાનું હાર્દિક પટેલે સુરતની લાજપોર જેલની બહાર સ્વાગત કર્યું હતું છતાં કથીરિયાએ આ નિવેદન આપ્યું છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીનાં વખાણ કરતાં અલ્પેશ કથિરિયાએ કહ્યું- કે, વર્ષોથી ભાજપે જે ગુજરાતમાં નથી કર્યું આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરી બતાવ્યું છે.
જેલમુક્ત થયા બાદ PAAS કન્વીનર કથીરિયાનો મોટો દાવો, કહ્યું- ભાજપ, કૉંગ્રેસ, AAPમાંથી આમંત્રણ
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરિયાએ જેલમુક્ત થતા જ મોટો દાવો કર્યો છે. વેલંજામાં મારામારી અને એટ્રોસિટીના કેસમાં અલ્પેશ કથિરિયા ત્રણ મહિનાથી લાજપોર જેલમાં બંધ હતો. જેલમુક્ત થતાની સાથે જ અલ્પેશ કથીરિયાએ કર્યો છે મોટો દાવો.
અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ભાજપ, કૉંગ્રેસ અને આપ ત્રણેય તરફથી પક્ષમાં જોડાવવા આમંત્રણ મળ્યું છે. રાજનીતિમાં આવવું કે નહીં તે પાસની બેઠક બાદ નક્કી કરીશું. ભાજપ જો કેસ પાછા ખેંચશે તો પાસનું વલણ બદલાશે તેવા પણ અલ્પેશ કથીરિયાએ સંકેત આપ્યા છે.
નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટેમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરાયેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. અલ્પેશ કથીરિયા 3 મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતો. હવે આજે તેનો જેલમાંથી છૂટકારો થશે. તેની સાથે 12 આરોપીને અગાઉ સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માગણી કરી હતી.
અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાઇ શકે છે. અત્યારે મોટા ભાગના પાસના કાર્યકરો આમઆદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા આપમાં જશે કે નહીં તેને લઈને પણ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
ગત 21મી ફેબ્રુઆરીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજામાં અલ્પેશની આગેવાનીમાં 50થી 60 બાઇક અને કારમાં આવેલા 150થી 200 માણસોનું બીટીપીના કાર્યકરે વીડિયો ઉતારતા પાસના કાર્યકરોએ મારુતિ વાનમાં બેઠેલા બીટીપીના કાર્યકરોને જાતિવિષયક ગાળો આપી લાકડાના ફટકા માર્યા હતા તેમજ પથ્થરથી માર માર્યો હતો. ઉપરાંત 3000 રૂપિયાની લૂંટ કરી મારૂતિ વાનના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથીરિયા અને અન્યો સામે એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી હતી.