સુરત: ખટોદરા વિસ્તારમાં ઈ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા મકાનમાં આગ લાગી હતી. મકાનના મેન ગેટ પર જ બેટરીમાં બ્લાસ્ટ થતા પરિવાર ઘરમાં ગોધાયો હતો. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારનું બીજા મકાનના ટેરેસ પરથી રેસ્ક્યુ કર્યું હતું. બેટરીમાં બ્લાસ્ટ થવાને કારણે ઘર વખરીનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
રાધનપુર હાઈવે પર ટ્રકે સાઈકલ ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત
રાધનપુર હાઈવે પર અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. કચ્છ તરફ જઈ રહેલ ટ્રકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા થયા એકઠા થયા હતા. યુવકના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘AATITHYAM’ ડેશબોર્ડ કર્યું લોન્ચ
પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા ગુજરાત સરકારે નવતર પહેલ કરી છે. સ્થાનિક –આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ, આજે ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, આજથી ૨૦ વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નકશામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે જેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મૈત્રી પૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. પીએમ મોદીએ પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવા કરેલા અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષે ૨૦૨૩-૨૪ના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. ૨,૦૭૭ કરોડની જોગવાઈ એટલે કે ગત વર્ષ કરતા પ્રવાસન બજેટમાં ૩૪૬ ટકાનો વધારો કર્યો છે.
પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી પણ એકત્ર થશે એટલું જ નહિ, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિકસાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. ગુજરાતના GSDPમાં પ્રવાસન ક્ષેત્રના યોગદાન વિશે ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થશે.