સુરત: GPCBના અધિકારીના નામે મિલોમાં જઈ તોડપાણી કરતા ચિતર ગેંગના બે સભ્ય રંગે હાથ ઝડપાયા છે. મિલ માલિકને દર મહિને મિલ ચલવવી હોઈ તો 15 હજાર આપવા પડશે તેમ ધમકી આપી હતી. કાલે સવારે પાંચ હજાર લઇ ગયા હતા અને બાકીના 10 હજાર સાંજે લેવા આવતા પોલીસ અને GPCB ના હાથે ઝડપાઈ ગયા હતા.
પલસાણા તાલુકાના જોળવા ખાતે આવેલી દર્શન ઇન્દ્રસ્ટ્રીટલ એસ્ટેટમાં આવેલી લક્ષ્મી એસ્ટેટ નામની મિલમાં એક i10 ગાડી આવીને ઉભી રહી. અંદરથી ઉતરેલા ત્રણ ઈસમોએ પોતે GPCB ના અધિકારી હોવાની ઓળખ આપી અને મિલના ભૂંગળામાંથી નીકળતા ધુમાડાને લઇ ફેક્ટરી માલિકને ધાક-ધમકી આપી હતી. કહ્યું કે, મિલ ચલાવી હોઈ તો એક લાખ રૂપિયા આપવા પડશે, જોકે ત્યાર બાદ આખરે દર મહિને 15 હજાર આપવાનું નક્કી કર્યું હતું અને 5 હજાર તે સમયે આપી દીધા હતા અને બાકીના 10 હજાર સાંજે આપવાનો વાયદો કર્યો હતો.
આમ ત્રણેય ઈસમોના ગયા બાદ ફેક્ટરી માલિકે પોતા મિત્ર અન્ય ફેક્ટરી માલિકને સમગ્ર ઘટના બાબતે જાણ કરતા અન્ય ફેક્ટરી માલિકે સુરત ખાતે GPCBમાં નોકરી કરતા GPCB ના અધિકારીને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. GPCB ના અધિકારીએ ઉપરોક્ત બતાવેલા નામ વાળા વ્યક્તિ GPCB માં કામ નહીં કરતા હોવાનું જણાવતા ફેક્ટરી માલિક પણ ચોકી ઉઠ્યા હતા. જોકે ફેક્ટરી માલિકે પોલીસને જાણ કરતા પોલીસે ફેક્ટરી પર છટકું ગોઠવ્યું હતું અને જેવા સાંજના સમયે ફરીથી બાકીના પૈસા લેવા આવતા તરત જ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જોકે ત્રણ પૈકીનો એક ઈસમ પોલીસને જોઈ ભાગી છૂટવામાં સફળ થયો હતો.
ઝડપી પાડેલા આરોપીઓની કારમાંથી પોલીસને બે ડાયરીઓ પણ મળી આવી હતી. જે પૈકી એક ડાયરી સુરત મહાનગર પાલિકાની હતી. અસલ અધિકારી જેવા દેખાવા ચિતર ગેંગ ડાયરી હાથમાં લઇ ઓફિસમાં પ્રવેશતા ચિતરો પોલીસથી બચવાં માટે દરરોજ અલગ અલગ કાર બે હજારથી ભાડે લઇને આવતા. GIDC વિસ્તારમાં GPCB ના નામે તોડ કરતી ગેંગ ઝડપાયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા ત્રણેય ઈસમો વિરુદ્ધ એક લુમશ કારખાનાના માલિકે વધુ એક 30 હજાર રૂપિયાની ખંડણીની ફરિયાદ નોંધાવી છે. પોલીસ હજુ પણ GIDC વિસ્તારમાં ચીટિંગનો ભોગ બન્યા હોઈ તો પલસાણા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી રહી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial