સુરત: જ્યારથી હાર્દિક પટેલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ એવી અટકળો પણ વહેતી થઈ છે કે, હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શકે છે. તો આ મામલે હવે આમ આદમી પાર્ટી અને ભાજપ બન્ને હાર્દિકને આવકારી રહ્યા છે. બીજેપી નેતા અશોક જીરાવાળાએ હાર્દિક પટેલને ભાજપમાં આવી જવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પાટીદારને ક્યારેય નેતૃત્વ આપ્યું નથી. આજે પણ કોંગ્રેસ માધવસિંહ સોલંકીની થિયરી પર ચાલે છે. તો બીજી તરફ ભાજપમાં પાર્લામેન્ટથી લઈને જિલ્લા પંચાયત સુધી પાટીદારને નેતૃત્વ મળ્યું છે. હવે હાર્દિકે કોંગ્રેસ છોડી દેવી જોઈએ અને ભાજપમાં આવી જવું જોઈએ.
કોંગ્રેસની નિર્ણયશક્તિ સામે સવાલ ઉઠાવતા હાર્દિક પટેલને દિલ્હીનું તેડું
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને દિલ્હીનું તેડું આવ્યું છે. મીડિયામાં કોંગ્રેસની નિર્ણયશક્તિ અંગે કરેલા નિવેદન બાદ તેડું આવ્યું છે. હાર્દિક પટેલ આજે કોંગ્રેસ હાઈકમાંડને મળશે. નોંધનિય છે કે, હાર્દિક પટેલે કરેલા નિવેદન અંગે પ્રભારી રઘુ શર્માએ દિલ્હીમાં રિપોર્ટ કર્યો છે. તો બીજી તરફ હાર્દિક પટેલ વહેલી સવારે દિલ્હી પહોંચ્યા હોવાનો સૂત્રોનો દાવો છે. તમને જણાવી દઈએ થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કોંગ્રેસની નિર્ણય શક્તિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા શરૂ થઈ હતી. વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં શરૂ થયેલો કકળાટ આગામી સમયમાં ક્યા જઈને અટકશે તે જોવું રહ્યું.
હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, “કોંગ્રેસ નેતાઓ મારી હકાલપટ્ટી કરવા માંગે છે”
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના એક બાદ એક નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે. રાજકીય વિશ્લેષકો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હાર્દિકનો કોંગ્રેસ સાથે મોહભંગ થઇ ગયો છે અને હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દેશે. છેલ્લા એક દિવસથી હાર્દિક કોંગ્રેસ અંગેના નિવેદનો કરી રહ્યો છે અને આજે 14 એપ્રિલે હાર્દિક પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે.
PTI સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં. એક બાજુ કોંગ્રેસમાં નરેશ પટેલની એન્ટ્રીની ચર્ચાઓ થઇ રહી છે, તો બીજી બાજુ હાર્દિક પટેલના આ સ્ફોટક નિવેદનતબી કોંગ્રેસમાંથી હાર્દિક પટેલની ‘એક્ઝિટ’ અંગેની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. પરંતુ આ અંગે હાર્દિક પટેલે જ વધુ એક ખુલાસો કર્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું છે કે તે પાર્ટીમાં જ રહેશે. હાર્દિક પટેલે ટ્વીટમાં લખ્યું,
સાચું બોલવું જોઈએ કારણ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી પાસેથી આશા રાખે છે અને જો આપણે એ અપેક્ષા પર ખરા ઉતરી ન શકીએ તો આ નેતૃત્વનો શો અર્થ! આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને કરતો રહીશ. પદના મોહતાજ નહીં પણ કામનો ભૂખ્યો છું. હાર્દિક પટેલના નિવેદનથી એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે શું હાર્દિક ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું પદ છોડી દેશે? આ પ્રશ્નનો જવાબ તો આવનારો સમય જ આપશે.