સુરત: ગુજરાતમાં દારુ બાદ હવે ડ્રગ્સનું દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આ મામલે પોલીસ દ્વારા અનેક કડક પગલા પણ લેવામાં આવી રહ્યા છે છતા પણ ડ્રગ્સની લતમાં લોકો આવી રહ્યા છે. આ માટે ઘણીવાર જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. આવું જ જાગૃતિ અભિયાન સુરતમાં એક નાગરિક દ્વારા ચલાવવામાં આવતું હતું જેના પર આજે હુમલો થયો છે. ઉતરાણ પોલીસ સ્ટેશનની હદમાં મોટા વરાછામાં ડ્રગ્સ વિરોધી અભ્યાસ ચલાવનાર સંસ્થાના સભ્ય ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.


સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે પોલીસની સાથે જ પેરેલલ સમાજ જાગૃતિનું કામ કરી ડ્રગ્સ વિરોધી કાર્યક્રમો યોજનાર યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે હુમલો કરનાર આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે મંગળવારે રાત્રે 12 વાગ્યા આસપાસ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવનાર રોનક ઘેલાણી પર હુમલો કરવામાં આવ્યો હતો. રોનક ઘેલાણીને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતાં. જેથી લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ચીકુવાડી ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ તેના માથાના ભાગે સાતથી વધુ ટાંકા લઈને સારવાર શરૂ કરી છે. રોનક ઘેલાણીએ કહ્યું કે, પેડલરો નશાની હાલતમાં અપશબ્દો બોલી રહ્યાં હતાં. ત્યારબાદ તેને સમજાવવાની કોશિષ હોમગાર્ડ સહિતનાને કરી પરંતુ તેમની પર પણ હુમલો કરવામાં આવ્યો છે. હોમગાર્ડને તમાચો પણ ઝીંકી દીધો હતો. પછી હથિયારથી હુમલો કરતાં હોમગાર્ડની જગ્યાએ મારા માથામાં વાગ્યું હતું. આ પેડલરો પર તાત્કાલિક આકરી કાર્યવાહી થવી જોઈએ.


સમગ્ર હુમલા અંગે ઉતરાણ પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર સુદામા ચોક ખાતે રાત્રિના સમયે બોલાચાલી થઈ રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં રોનક ઘેલાણીએ બોલાચાલી શાંત કરાવવા વચ્ચે પડ્યાં હતાં. આ દરમિયાન દારૂના નશામાં રહેલા દશરથ રામદયા વર્મા અને સંદીપ અરુણ શાહુએ હુમલો કર્યો હતો. જેથી તેમને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોટા વરાછાના પ્રમુખો , શાળાના સચાલકઓ અને જાગ્રુત નાગરિકો દ્વારા આવા ડ્રગ્સ માફિયા અને બૂટલેગરો વિરુધ કડક પગલાં લેવાય તેવી ગુજરાતના ગૃહમંત્રી અને સુરત કમિશનર ને આવેદન આપવામાં આવશે.