સુરતમાં બાંગ્લાદેશી યુવતીને દેહવ્યાપારમાં ધકેલવાનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર, યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશની છે અને તેને બોર્ડર ક્રોસ કરાવીને ભારતના પશ્વિમ બંગાળમાં લાવી દેહ વ્યાપારમાં ધકેલી દેવાઇ હતી.  આ મામલે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.


યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પ્રેમીના મિત્ર શોએબના મિત્ર જમાલે બળજબરીપૂર્વક નશો કરાવી દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહી ગાંધીનગરની એક હોટલમાં તેને લાવવામાં આવી હતી જ્યાં ચાર યુવકો સાથે શરીર સંબંધ બાંધવા માટે તેને મજબૂર કરાઇ હતી.


યુવતીએ કહ્યું કે તેના પ્રેમીનો મિત્ર જમાલ તેને કોલકત્તાથી અમદાવાદ લાવ્યો હતો અને નશો કરાવીને દુષ્કર્મ આચરતો હતો. પીડિતાએ કહ્યું કે એક દંપત્તિ તેને સુરત લાવ્યું હતું. પરંતુ કાપોદ્રા વિસ્તારમાં તે દંપત્તિની નજર ચૂકવીને ભાગવામાં સફળ રહી હતી. બાદમાં એક વ્યક્તિએ તેને મદદ કરી હતી અને તેને કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવ્યો હતો.


કાપોદ્રા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં  યુવતીએ કહ્યું કે તે મૂળ બાંગ્લાદેશની છે. તેનો પ્રેમી શોએબ બોર્ડર ક્રોસ કરાવીને ભારતના પશ્વિમ બંગાળમાં લાવ્યો હતો. બાદમાં તેના મિત્ર જમાલે બળજબરીપૂર્વક દેહવ્યાપારમા ધકેલી દીધી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


ટ્યુશનથી ઘરે જતી આઠ વર્ષની બાળકીને રિક્ષાચાલકે કહ્યુ- ‘ચાલ બેસી જા’


સુરતના રાંદેરમાં એક રિક્ષા ચાલકે આઠ વર્ષની બાળકીને ઉઠાવી જઇને તેની સાથે અડપલા કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેરમાં સંતનામ સર્કલ પાસે ચાલતા ટ્યુશનથી ઘરે આવતી આઠ વર્ષની વિદ્યાર્થીનીને રિક્ષા ચાલકે કહ્યુ હતું કે ‘ચાલ બેસી જા’. બાદમાં તેને ખેંચીને રિક્ષામાં બેસાડી હતી અને નજીકની સોસાયટીની અવાવરુ જગ્યા પર લઇ જઇ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.


એટલું જ નહી રિક્ષાચાલકે બાળકીને સોસાયટીમાંથી બહાર નીકળીને અલગ અલગ વિસ્તારોમાં ફેરવી હતી. ગભરાઇ ગયેલી બાળકીએ ઘરે આવીને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરી હતી. જેને પગલે બાળકીના પિતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રિક્ષા ચાલક સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.