Bardoli, Surat : વરસાદી માહોલમાં વીજ વિભાગની બેદરકારીના કારણે લોકો ગુમાવી રહ્યા છે. સુરતના બારડોલીમાં વીજ કરંટ લાગતા બે મહિલાના મોત થયા. માતા ફળિયામાં રહેતી બે મહિલા ખેતરે કામ કરવા જતી હતી.આ સમયે ભરવાડ વસાહતમાં જીવતો વાયર અડી જતા બંનેનું કરંટ લાગવાથી મૃત્યુ થયું.
જીવતો વાયર દૂર કરવા જતા લાગ્યો જોરદાર કરંટ
મૃતક લતાબેન રાઠોડ અને મંજુબેન રાઠોડ નામની બે મહિલાઓ બપોરના સમયે ખેતરે જવા નીકળ્યા હતાં. આ સમયે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો.આ દરમિયાન ખેતરમાં એક વીજતાર તૂટીને પડ્યો હતો.જે તારમાં વીજ કરંટ ચાલુ હતો અને મહિલાઓએ વાયર દૂર કરવાનો પ્રયાસ કરતા જ જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
બંને મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું
વીજ કરંટથી સ્થળ પર જ બંનેના મૃત્યુ નિપજ્યા હતા. મહિલાઓ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતાં. આ સમયે બંનેના મૃત્યુ થયાનું સામે આવ્યું..ઘટનાની જાણ થતા વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમારકામની કામગીરી શરૂ કરી હતી.
વીજ વિભાગની બેદરકારી
તાર તૂટી જવા છતાં વીજપ્રવાહ ચાલુ હોય તે વીજ વિભાગની નિષ્ફળ કામગીરીની ચાડી ખાય છે. જોકે વીજ કંપનીનો દાવો છે કે ખેડૂતોએ આ અંગે જાણ કરી ન હતી. એક સપ્તાહ પહેલા પ્રિ-મોન્સુનની કામગીરીના દાવા કરાઈ રહ્યા હતાં. જો પ્રિ-મોન્સૂનની કામગીરી થઈ હોય તો મહિલાઓને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.
રાજકોટમાં ત્રણ ભેંસોના મોત
રાજકોટ ગ્રામ્ય પીજીવીસીએલના રોણકી સબ ડિવિઝનની બેદરકારીના કારણે ત્રણ ભેંસોએ જીવ ગુમાવ્યો.તૂટેલા તાર રીપેર કરવા માટે ખેડૂતે 23-7-2022 ના રોજ પીજીવીસીએલને અરજી કરી હતી.તાર રીપેર ન કરતા ત્રણ ભેંસોના શોર્ટ લાગવાથી મોત થયા. રાતૈયા ગામના નવઘણભાઈ ટોળીયાની બે ભેંસો અને અશોકભાઈ વાલજીભાઈની એક ભેંસનું મૃત્યુ થયું.
ગામડાઓમાં તાર તૂટી જાય કે સબ સ્ટેશન બળી જાય પરંતુ તાત્કાલિક પીજીવીસીએલ દ્વારા રીપેરીંગ કરવામાં ન આવતા આવી દુર્ઘટનાઓ થાય છે.