સુરતઃ ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવીએ ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકામાં નવી કચરા પેટીની ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. હર્ષ સંઘવીએ હલકી ગુણવત્તાની કચરા પેટી ખરીદવામાં મનપાના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર આરોપ લગાવ્યો છે. સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે શહેરમાં મુકવામાં આવેલ કચરાપેટીનું સમયસર મેઇન્ટેન્સ પણ કરવામાં આવતું નથી જેના કારણે કચરા પેટી ભંગાર હાલતમાં છે. સુરતમાં 13 હજાર 500 રૂપિયાની સ્માર્ટ કચરાપેટી ભંગાર હાલતમાં પડી છે. કૉર્પોરેશને 13 હજાર 500 રૂપિયામાં કચરા પેટી ખરીદી હોવા છતાં હલકી ગુણવતાના કારણે સાઉથ ઝોન ગોડાઉનમાં કચરાપેટીના ઢગલા પડ્યા છે.


કચરાપેટીની ખરીદીમાં ભ્રષ્ટાચાર મુદ્દે મેયરે પ્રતિક્રિયા આપતા કહ્યું ધારાસભ્યની સૂચનાને ગંભીરતાથી લેવામાં આવશે. સુરત શહેરના હિતમાં તમામ પ્રયાસો કરાશે અને કોઈપણ કામમાં ભ્રષ્ટાચાર થયો હશે તો તેના વિરુદ્ધ ચોક્કસ પગલા લેવાશે. વિપક્ષે એસીબી તપાસ થવી જોઈએ તેવી માંગણી કરી હતી.