સુરતનાં જાણીતા બિઝનેસમેન સામે બિલ્ડરના અપહરણ કર્યાંની ફરિયાદ, જાણો વિગત
abpasmita.in | 05 Jan 2020 01:31 PM (IST)
મહેશ સવાણી સહિત અન્ય 5 લોકો વિરૂદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધવવામાં આવી છે. બિલ્ડર ગૌતમ પટેલે મહેશ સવાણી સામે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી
સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી સહિત અન્ય 5 લોકો વિરૂદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધવવામાં આવી છે. બિલ્ડર ગૌતમ પટેલે મહેશ સવાણી સામે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉછીનાં લીધેલા 3 કરોડ રૂપિયાની ઉઘરાણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું તેવું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. મહેશ સવાણી સામે ફરિયાદ નોંધાતા સુરતમાં ખળભળાટ મચી ગયો છે. ગૌતમ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહેશભાઈ સવાણી પાસેથી બિલ્ડરે ગૌતમ પટેલે ઉછીનાં ત્રણ કરોડ રૂપિયા લીધા હતા. તે કઢાવવા માટે મહેશ સવાણીનાં માણસોએ ગોપાલભાઈ સાથે અન્ય ચાર ઈસમોને લઈને મારા ઘર પાસે આવીને ધમકાવીને કારમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ અન્ય કારમાં મહેશ સવાણીએ આવીને મને જબરદસ્તીથી તેમની કારમાં બેસાડીને ઓફિસે લઈ જઈને લાફા મારીને પૈસા કઢાવવા માટે 18 કરોડ રૂપિયા અથવા બંગલો લખી આપવાની માંગણી કરી હતી. મોડી રાતે ગૌતમ પટેલનો છૂટકારો થતાં તેઓ સીધા જ ઉમરા પોલીસ સ્ટેશનમાં જઈને આ ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, થોડા સમય પહેલા જ મહેશ સવાણીએ સુરતમાં પાનેતર લગ્નોત્સવમાં પિતાવિહોણી 273 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવ્યાં હતાં. આ ઉપરાંત મહેશ સવાણીને સમાજનાં સેવક તરીકે પણ ઓળખવામાં આવે છે.