સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ટિકિટ વહેંચણી બાદ નારાજ થયેલા નેતાઓ પક્ષ બદલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મહિલા ઉમેદવારના પતિ કૉંગ્રેસમાં સામેલ થયા છે. જેને લઈ સુરત શહેરનું રાજકારણ ગરમાયું છે. સુરતમાં ભાજપના મહિલા ઉમેદવારના પતિ કૉંગ્રેસનો ખેસ ધારણ કરી પ્રચાર કરતા જોવા મળતા વિવાદ સર્જાયો છે. શહેરમાં હાલ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપે ટિકિટની વહેંચણી કરી હતી. આ દરમિયાન અનેક લોકો નારાજ થયા હતા. જે બાદમાં અનેક લોકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. અમુક લોકોએ પાર્ટીમાંથી રાજીનામા પણ ધરી દીધા હતા. જોકે, અમુક લોકો એવા પણ હતા જેઓ વિરોધી પાર્ટી સાથે જોડાયા હતા.




વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલું જ નહિ, પરંતુ કોંગ્રેસ વતી પ્રચાર પણ કરી રહ્યા છે, જેથી મહાનગરપાલિકાની ચૂંટણી ચરમસીમા પર પહોંચી ગઈ હોય એવું સામે આવી રહ્યું છે. મનીષા આહીરે કહ્યું હતું કે લોકશાહીમાં દરેક અધિકાર છે પોતાની વાત મૂકવાનો. જ્યારે મહેશ આહીરે કહ્યું હતું કે હું સત્યની સાથે છું, અધર્મીની સાથે નથી.