સુરત: ગુજરાતમાં નકલી ટોલનાકુ, નકલી સરકારી કચેરી, નકલી પોલીસ ઓફિસર, મંત્રીનાં નકલી પી.એ. પકડાયા પછી હવે સુરત જિલ્લાની બારડોલી પોલીસે બારડોલી નગરમાંથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી સુરત પાર્સિંગની કાર કબજે લેતા ચકચાર મચી જવા પામી છે. બારડોલી નગરપાલિકા તેમજ બારડોલીની સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી આ કાર અવારનવાર જોવા મળી હતી. બારડોલી નગરનાં પૂર્વ ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી દ્વારા સમગ્ર મામલે પોલીસને ફરિયાદ પણ આપવામાં આવી હતી. 


નીતિન રાણા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો


બારડોલી પોલીસે તપાસ કરતાં આ કાર બારડોલીનાં વિવાદાસ્પદ બિલ્ડર નીતિન રાણાએ સુરતનાં પંકજ કાબરાવાલાનાં નામે ખરીદ કરી હતી. પોલીસે કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી નીતિન રાણા વિરુદ્ધ ગુનો પણ દાખલ કર્યો છે. નીતિન રાણા વિરુદ્ધ ભૂતકાળમાં પણ અનેકો ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે.




નીતિન રાણા બારડોલીના પૂર્વ કોર્પોરેટર કિરીટ રાણાના ભાઈ છે. પોલીસને મળી આવેલી કાર માંથી ZRUCC મિનિસ્ટ્રીઝ ઓફ રેલવેઝ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું બોર્ડ પણ મળી આવ્યું હતું. નીતિન રાણા છેલ્લા કેટલાક સમયથી આવું બોર્ડ લગાવી બારડોલી નગર અને બારડોલીની સરકારી કચેરીઓમાં જોવા મળ્યો હતો, જોકે આ બોર્ડ લગાવવા પાછળ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કાર પર લગાવવા પાછળનો આશય શું છે એ પોલીસ તપાસ બાદ બહાર આવશે. 


બારડોલી ડિવિઝનના DYSP એ જણાવ્યું હતું કે, બારડોલી ટાઉન પોલીસને બાતમીના આધારે એક કિઆ ગાડી પર GOVT. OF INDIAનું ગેરકાયદેસર રીતે લખાણ લખ્યું હોવાનું જાણકારી  મળતા કારને કબજામાં લેવામાં આવી હતી.  આ ગુનાનો આરોપી પોતે પબ્લિકમાં એવું સાબિત કરવા માંગે છે કે, તે પોતે  ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં કંઈક હોદ્દો ધરાવે છે. આ આરોપી વિરૂદ્ધ બારડોલી ટાઉન પોલીસ મથક તેમજ સુરત શહેર પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. 


સમગ્ર રાજ્યમાં હાલ તો નકલીની ભરમાર ચાલી રહી છે. નકલી સીએમઓ અધિકારી, મંત્રીઓના નકલી પીએ, નકલી ટોલનાકુ, નકલી પોલીસ, નકલી ધારસભ્ય,  ખાદ્ય ચીજોમાં નકલી વસ્તુઓ સતત પકડાતી જોવા  મળી રહીછે. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial