સુરતઃ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં માર મારતા ઘાયલ થયેલા ઓમ પ્રકાશ પાંડેનું સારવાર દરમિયાન મોત થયું છે. ઓમ પ્રકાશ પાંડેના મોત મામલે  તમામ આઠ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આરોપી પોલીસ કર્મીઓ સામે ખટોદરા પોલીસ મથકમાં 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં તમામ આરોપીઓ ફરાર છે. ગઈકાલે આખો દિવસ પોલીસે સારવારનું નાટક કરી મોડી રાતે ઓમપ્રકાશ પાંડેને મૃત જાહેર કર્યો હતો.


નોંધનીય છે કે ખટોદરા પોલીસની ટીમે ત્રણ દિવસ પહેલા ત્રણ યુવકને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછના નામે ઢોરમાર માર્યો હતો. જેમાં ઓમપ્રકાશ પાંડેને ગંભીર ઈજા થતાં તેને પહેલા નવી સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં મોડી રાત્રે ઓમપ્રકાશને મૃત જાહેર કરાયો હતો ત્યારે માર મારવાના કારણે યુવકનું મોત થયું છે કે પછી બીજી કોઈ કારણે તે તો PM રિપોર્ટના આધારે સ્પષ્ટ થશે.

જોકે ચર્ચા એવી છે કે સુરત પોલીસ તપાસના નામે નાટક કરી આરોપી પોલીસ કર્મીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે હજુ સુધી PI ખિલેરી સહિત સાત પોલીસકર્મીઓ ક્યાં છે તેની કોઈ જાણકારી પોલીસ પાસે નથી.