તહેવારોમાં નાના બાળકોને એકલા રમતા મુકાતા માતા-પિતા માટે લાલાબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ફટાકડા ગળી જતા બાળકનું મોત થયું છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં 3 વર્ષના બાળક માટે તેના પિતા ફટાકડા લાવ્યા હતા. બાળક નાનું હોવાથી ફેંકે અને ફૂટે એવા પોપ-પોપ ફટાકડા લાવ્યા હતા. જો કે ફટાકડા ફોડવાની જગ્યાએ બાળક એ પોપ-અપને ગળી ગયું હતું. બાદમાં બાળક બીમાર પડ્યું અને દવા લીધા બાદ પણ સારું ન થયું. પરંતુ ઝાડા-ઊલટીમાં પોપ-પોપ ફટાકડા નીકળ્યા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. ત્યારે તમામ વાલીઓએ દિવાળીના ફટાકડા ફોડતી વખતે જાગ્રત રહેવા અપીલ છે.


જો કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ સુરતમાં ફટાકડા ફોડતી વખતે પાંચ બાળકો દાઝ્યા હતા. 28 તારીખે યોગીચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીમાં ગટરના ઢાંકણા પર બેસી પાંચ બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. અચાનક આગ ભભૂકતા બાળકોમાં નાસભાગ મચી હતી. આગની જ્વાળામાં પાંચેય બાળકો દાઝી ગયા હતા.


આ ઘટનાને લઈ થોડો સમય તો અહીં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. પણ આગ ઓલવાઈ નહીં. જ્યારબાદ ફાયરબ્રિગેડની ટીમે આવી આગ ઓલવી હતી. આમ દિવાળીમાં ફટાકડા ફોડવાની મોજ-મસ્તી ક્યારેક જોખમી પણ બની શકે છે. જેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.


નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતમાં ફટાકડા ફોડતી વખતે ડ્રેનેજમાંથી ઉત્પન્ન થતાં ગેસને લઇને આગ પકડી હતી. જોકે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી પરંતુ દિવાળી સમયે માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જરૂર છે.


શહેરના મોટા વરાછામાં આવેલી તુલસી દર્શન સોસાયટીમાં ડ્રેનેજમાંથી ઉત્પન્ન થતાં ગેસને લઈ ફટાકડા ફોડતી વખતે આગ પકડાઇ હતી. પાંચથી છ ફૂટ જેટલી આગની જ્વાળાઓ બહાર આવી હતી. આ આગની ઘટનામાં બાળકો સામાન્ય દાઝ્યા પણ હતાં. પરંતુ બાદમાં મકાન માલિકે પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.