સુરત: સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કમિશન વધારવાના માંગ સાથે CNG પમ્પ બંધ રહેતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. કમિશન વધારાના મુદ્દાને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ સંચાલકોએ આજે (સોમવારે) બંધ પાળ્યું હતું. જો ઉકેલ નહીં આવેલ તો આગામી 16 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
સુરત શહેરમાં મોટાભાગના રિક્ષા ચાલકો સીએનજી ધારકો છે. શહેરમાં દોડતી રિક્ષા મહદઅંશે સીએનજીથી દોડે છે. સીએનજી પમ્પના માલિકો દ્વારા કમિશન વધારવાના મુદ્દાને લઈને વારંવાર કરવામાં આવતી રજૂઆત છતાં પણ કમિશનમાં વધારો ન થતા આખરે સીએનજી પમ્પના માલિકોએ હડતાળ ઉપર ઉતારવાના નિર્ણય કર્યો છે. પમ્પ બંધ રહેતા સીએનજી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો સીએનજી ગેસનો ઉપયોગ કરે છે. સીએનજી પમ્પના માલિકો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સીએનજીના કમિશનમાં વધારો કરવામાં ન આવતા હડતાલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે શહેરના તમામ સીએનજી પમ્પ બંધ રહ્યા છે. 6 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યા સુધી સીએનજી પમ્પ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સીએનજી પમ્પના માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, છેલ્લા પાંચ વર્ષથી વારંવાર રજૂઆત છતાં પણ એમની વાતને સાંભળવામાં આવી નથી. સીએનજીના કમિશનની અંદર વધારો કરવામાં આવ્યો નથી. સુરતમાં અંદાજિત સીએનજી પર ચાલતી રિક્ષાઓની સંખ્યા 1.50 લાખથી 2 લાખ જેટલી છે. બીજી તરફ શહેરમાં કાર તેમજ અન્ય વાહનોની સંખ્યા પણ મોટી છે. સીએનજી પંપ બંધ થતાંની સાથે જ લાખો વાહનોના પૈડા આજે થમી ગયા છે. એવી જ રીતે સ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. તમામ સીએનજી પંપ બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.
રિક્ષા ચાલકોએ જણાવ્યું કે, સુરતના તમામ સીએનજી પમ્પ બંધ હોવાને કારણે અમને ભારે હાલાકી થઈ રહી છે. સવારે જ્યારે સીએનજી ફરવા માટે પંપ ઉપર પહોંચ્યો ત્યારે જોયું તો પંપ બંધ હતું. મારા જેવા એવા ઘણા રિક્ષા ચાલકો છે કે, તેમને ખબર ન હતી કે, આજથી સીએનજી પમ્પની હડતાળ શરૂ થઈ રહી છે. અમારી રિક્ષાઓમાં સીએનજી ન હોવાને કારણે રિક્ષા બંધ પડી છે. સીએનજી રિક્ષા ચલાવીને જ અમારી રોજી રોટી ચાલે છે. ત્યારે અમારે હવે આજે આવક મળશે નહીં. આ પ્રકારે રિક્ષા ચાલક કોઈની સ્થિતિ આર્થિક રીતે ખૂબ જ ખરાબ થાય છે. રોજ કમાઈને રોજ ખાવાવાળા રિક્ષા ચાલકો સીએનજી પમ્પ બંધ હોવાને કારણે આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાશે.