સુરત: ગુજરાતમાં દારુબંધીના કાયદાના રોજેરોજ લીરેલીરા ઉડી રહ્યા છે. જે પોલીસકર્મીઓને આ દુષણને ડામવાનું કામ કરવાનું હોય તે પોતે જ બુટલેગરોને મદદ કરી રહ્યા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે ફરી એકવાર પોલીસ અને બુટલેગરની મિલી ભગતનો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. વરાછાના કોન્સ્ટેબલે બુટલેગર સાથે તોડ કરી ચોકી પાછળ કારમાં 818 બોટલ દારૂ સંતાડ્યો હતો. વરાછા પોલીસનો સ્ટાફ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. નાઇટ પેટ્રોલિંગમાં સ્વિફ્ટમાં દારૂ લાવનારાને પકડી પાડી 1.27 લાખનો દારૂ સરદાર ચોકી પાસે મલ્ટિલેવલ પાર્કિંગમાં પોતાની કારમાં રાખ્યો હતો. વરાછા પોલીસના સ્ટાફે જ કોન્સ્ટેબલ લખનને ભગાડવામાં મદદ કરી હોવાની ચર્ચા છે.
વરાછા પોલીસમાં જ રાત્રી પેટ્રોલીંગમાં હાજર કોન્સ્ટેબલે સ્વિફ્ટ ગાડીમાં દારૂ લાનનાર યુવકને પકડી પાડીને તેની પાસેથી રૂા.1.27 લાખની 818 દારૂની બોટલ પોતાની આઇટ્વેન્ટી ગાડીમાં મુકીને પોલીસ ચોકીની પાછળ જ મલ્ટીલેવલ પાર્કિંગમાં સંતાડી દીધી હતી. આ બાબતે પોલીસમાં જાણ કરાતા પોલીસે કોન્સ્ટેબલની સામે ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વરાછા પોલીસના જ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરાછા પીઆઇ અલ્પેશ ગાબાણી તેમજ કોન્સ્ટેબલ લખન વચ્ચે થયેલી ટેલીફોનિક વાતચીતમાં સૌપ્રથમ તો ફોન ઉચક્યા ન હતા. ત્યારબાદ લખને પીઆઇની સાથે વાત કરી ત્યારે બહાર આવ્યું કે, બે દિવસ પહેલા રાત્રીના સમયે બાતમી મળી હતી. કોન્સ્ટેબલ લખન તેમજ હોમગાર્ડ મિતુલ બંને વરાછા પટેલનગરમાં ગયા હતા. ત્યાં વ્હાઇટ સ્વીફ્ટ ગાડી પકડી હતી, આ દારૂ લેવા માટે એક મોટર સાઈકલમાં ત્રણ ઇસમો આવ્યા હતા. ત્રણેયને પોલીસે અટકાવ્યા ત્યારે મુકેશ નામનો મુખ્ય બુટલેગર ફરાર થઇ ગયો હતો.
તો બીજી તરફ બીજા બંને યુવકોએ લખનને આજીજી કરીને દારૂનો માલ રાખી લેવાનું કહીને પોતાને જવા દેવા કહ્યું હતું. લાલચમાં આવેલા લખને બંને બુટલેગરોને સ્વીફ્ટ ગાડી અશ્વનિકુમાર પોલીસ ચોકી પાસે સુમસાન જગ્યાએ લઇ ગયો અને ત્યાં સ્વીફ્ટમાંથી માલ પોતાની આઇટ્વેન્ટી ગાડીમાં ખાલી કરાવી નાંખ્યો. બીજી તરફ પકડાયેલા બંનેએ લખનને કહ્યું કે અમે મુકેશને શોધવામાં તમારી મદદ કરીશું અમને થોડી બોટલો આપો અને જવા દો. લખને ત્યાં પણ લાલચ રાખીને પાંચ બોટલ આપીનં બંનેને જવા દીધા અને ત્યારબાદ આઇટ્વેન્ટી ગાડીને સરદાર પોલીસ ચોકીની પાછળ મલ્ટીલેવલ પાર્કિંગમાં લઇ જઇ ત્યાં ગાડીમાં કવર ચઢાવી દીધું હતું. આખરે ભાંડો ફૂટતા કોન્સ્ટેબલ લખન સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.