સુરત: રાડો ફિલ્મના પ્રોડ્યુસર સામે થયેલી પોલીસ ફરિયાદ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. પ્રોડ્યુસર મુન્ના શુકુલ ગેંગે મહારાષ્ટ્રમાં પણ 9000 લોકોને 50 કરોડમાં નવડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. સુરતમાં એકબાદ એક ફરિયાદીઓનો ઉમેરો થઈ રહ્યો છે ત્યારે કુલ 40 ફરિયાદીનો ઉમેરો થયો છે. મહારાષ્ટ્રના ધુલીયામાં ગુનો નોંધાયા બાદ મુન્ના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.


 9000 લોકો ભોગ બન્યા


શુકુલ શોબિઝના નામે રાડો, નાડીદોષ, લોચા-લાપસી જેવી હીટ ફિલ્મ પ્રોડ્યૂસ કરી ગુજરાતી ફિલ્મમાં મોટું માથું બની ગયેલો પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલની સ્કીમમાં મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાં છેતરપીંડી કરી છે. જેમાં ૯૦૦૦ લોકો ભોગ બન્યા છે. ભોગ બનેલાં લોકો સાથે પચાસ કરોડનું કૌભાંડ શુકુલ એન્ડ કંપનીએ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.


છેતરપિંડીની ફરિયાદ સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થયો


સુરતના વેસુ વી.આઇ.પી. રોડ ઉપર ઓફિસ ધરાવી શુકુલ ગૃપના નામે પોન્ઝી સ્કીમ ખોલી તેમાં રોકાણ ઉપર ચાર ટકા વળતરની લાલચ આપી હજારો લોકોને છેતરનાર મુન્ના શુકુલ વિરૂદ્ધ મંગળવારે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ સાથે જ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઇકો સેલ દ્વારા આ ગુનામાં મુન્નાની ઓફિસમાં પગાર સાથે કમિશન ઉપર કંપનીમાં ડિરેક્ટર બનેલી હેપ્પી કુમાર કાનાણી, વિમલ પંચાલ અને મયુર નાવડીયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીની પૂછપરછ અને તેમની પાસેથી મળેલાં દસ્તાવેજોમાં આ કૌભાંડ ઘણું મોટું હોવાનું અને આ ટોળકીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ પોતાની જાળ પાથરી હોવાનું બહાર આવ્યું હતું. 


પોલીસે તપાસ કરતાં આ કૌભાંડ વધતું જ ગયું 


ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લાના દોડાઇ ચા પોલીસ મથકે આ મુન્ના શુકુલ અને તેના સાગરિતો આકાશ પાટીલ સહિતના આરોપી વિરૂદ્ધ બે કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે તપાસ કરતાં આ કૌભાંડ વધતું જ ગયું હતું. પોલીસને ભોગ બનેલાં ૯૦૦૦ લોકો મળી આવ્યા હતા. જેમણે પચાસ કરોડ ગુમાવ્યા હતા. બીલીમોરાનો વતની મુન્ના શુકુલ તેના પત્ની અને બે સંતાનો તથા સાળા દેવેશ તિવારી સાથે પાલની નક્ષત્ર એમ્બેસીમાં રહેતો હતો. ધુલીયામાં ગુનો થયો ત્યારથી જ શુકુલ પત્ની અને બે બાળકો તથા સાળો દેવેશ તિવારી જે પણ ઇકો સેલમાં આરોપી છે તે તમામ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.