સુરતઃ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગની ઘટનાને પગલે સમગ્ર રાજ્યના લોકો ગુસ્સામાં છે. આગની આ ઘટનામાં તંત્રની બેદરકારીને કારણે 22 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા જેને કારણે લોકોએ તક્ષશિલા આર્કેટ સામે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન કોગ્રેસ નેતા હાર્દિક પટેલ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સુરત મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને જીઇબી વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. એટલું જ નહી હાર્દિકે ચીમકી ઉચ્ચારી હતી કે  જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તે ઉપવાસ આંદોલન કરશે. નોંધનીય છે કે તક્ષશિલા આર્કેડમાં એક ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગમાં 22 જેટલા વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા હતા.


મળતી જાણકારી અનુસાર, આજે કેટલાક લોકોએ તક્ષશિલા આર્કેડની સામે બેસી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ ઘટના સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ કરી હતી. જેને લઈને લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સરકાર બાળકોના પરિવારને ન્યાય આપશે પરંતુ અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આ ઘટનામાં મેયર સહિતના જવાબદાર અધિકારીઓના રાજીનામાંની માંગ કરવામાં આવશે.

આ અગાઉ હાર્દિક પટેલે ટ્વિટ કરીને સુરત મેયરના રાજીનામાની માંગણી કરી હતી. ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગીય બાળકોનાં પરિવારને ન્યાય આપી નહીં શકે તો આજે સાંજથી હું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની સામે અનસન પર બેસીશ. સુરતની જનતા પાસેથી કરોડોનો ટેક્સ લેવામાં આવે છે પરંતુ સુવિધા અપાતી નથી.'હાર્દિકના નિવેદન પર સુરતના મેયર જગદીશ પટેલે કહ્યુ કે, આ અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. હું ઘટનામાં ભોગ બનનારના પરિવાર અને શહેરની જનતા સાથે છું. આવી ઘટનાઓ હવે ન બને તે પગલાં લેવાની અમારી જવાબદારી છે.