સુરત: પાસ નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હાર્દિકનો વિરોધ થઈ રહ્યો છે. પાટીદારોની વસ્તી ધરાવતા સુરતના વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમાજના ગદ્દાર હોવાના નારા પણ લાગ્યા હતા. આ ઉપરાંત જામનગરમાં ઠેરઠેર હાર્દિક પટેલના વિરોધમાં બેનર લાગ્યા છે જ્યારે ધ્રોલમાં લોકોએ હાર્દિક હાય હાયના નારા પણ લગાવ્યા હતાં.



સુરત અને જામનગર સહિતના વિસ્તારોમાં હાર્દિક પટેલના વિરોધ કરતાં બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં હાર્દિક પટેલ ગદ્દાર છે તેવા લખેલા બેનરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાં બેનરમાં રાજકીય લાભ ખાટવા 14 પાટીદારોનો ભોગ લીધો. પાટીદારોને ગધાડે ચઢાવી પાટીદારોના પ્રશ્નોને અદ્ધવચ્ચે મૂકી રાજકારણના ઘોડે બેસી ગયો.



પ્રાપ્ત વિગત પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ ખાતે હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા તો પૂતળા દહન દરમિયાન સમાજનો ગદ્દાર હોવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા.



ગત સોમવારે હાર્દિક પટેલના રાજકારણના પ્રવેશનો વિરોધ કરવાના હેતુથી પાટીદાર સમાજના યુવાનોએ ગાંધીનગર તથા અમદાવાદમાં હાર્દિક પટેલનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ હાર્દિકના પૂતળા દહનના કાર્યક્રમની પત્રિકા વાઈરલ રહી છે.