Surat Breaking: કોંગ્રેસ અને રાહુલ ગાંધીની રણનીતિમાં મોટો બદલાવ આવવાના સંકેત મળી રહ્યા છે. એવાં પણ અહેવાલો મળી રહ્યા છે કે, રાહુલ ગાંધી જેલમાં જઈ શકે છે. રણનીતિમાં બદલાવ આવતા દેશભરના કોંગ્રેસના નેતાઓ સુરત પહોંચી રહ્યા છે. આજે ટૂંક સમયમાં રાજસ્થાનના CM અશોક ગેહલોત સુરત પહોંચશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આવતીકાલે સવાર સુધીમાં મોટી સંખ્યામાં સુરત પહોંચશે.


તો બીજી તરફ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી સહિતના મોટા નેતાઓ સુરત જવા રવાના થયા છે. દિલ્હીથી શક્તિસિંહ ગોહિલ પણ સુરત આવવા રવાના થયા છે. નોંધનીય છે કે, આવતીકાલે સોમવારે રાહુલ ગાંધી ફરી સુરત આવશે. જેને લઈને કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા અમિત ચાવડા સુરત સર્કિટ હાઉસ પહોંચ્યા છે. આવતીકાલના રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈ કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસના દિગજ નેતાઓ સહિત પ્રિયંકા ગાંધી પર પણ સુરત આવે તેવી સંભાવના છે.


રાહુલ ગાંધી અને તેની લિગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે. નોંધનીય છે કે, માનહાનિના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનુ એલાન કર્યુ છે. ત્યારે હવે અપીલ કરવા તૈયારીઓ આરંભાઇ છે. આ કેસમાં રાહુલ ગાંધી ગુજરાત હાઇકોર્ટમાં નહી જાય  પરંતુ સોમવારે સુરત સેસન્સ કોર્ટમાં જ અપીલ કરવામાં આવશે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીના કેસ હેન્ડલ કરશે. કોર્ટના ચુકાદાનું ભાષાંતર પૂર્ણ થઈ ગયું હોવાની માહિતી સામે આવી છે. 


રાજકીય ઉથલપાથલ 
ભાજપે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીની કાનૂની ટીમે કોર્ટના આદેશને પડકારવામાં પૂરતી તત્પરતા દર્શાવી ન હતી કારણ કે પાર્ટી કર્ણાટકની ચૂંટણીઓ પહેલા આને લાવવા માંગતી હતી. સવાલો ઉઠી રહ્યા હતા કે, કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીની સજા પછી નહીં. આના પર કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે કાયદાકીય ટીમ તેના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, અમને ખબર છે કે ક્યાં અને ક્યારે અપીલ કરવાની છે, કેમ કે અમારી પાસે 30 દિવસનો સમય છે.


શું છે આખો મામલો  - 
2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં ટીપ્પણી કરી હતી કે 'બધા ચોરનું નામ મોદીના કેમ છે'. આ પછી તેની સામે કેસ થયો હતો. તેમના પર સમગ્ર મોદી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અને કલંકિત કરવાનો આરોપ હતો. તેની સામે હવે કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી છે.