Surat News: સુરતના કતારગામ ઝોન અંતર્ગત આવતા વેડ દરવાજા સ્થિત નાસિરનગરમાં 2 જૂનના થયેલા હાઈપ્રોફાઈલ ડિમોલિશનને લઈને હવે અનેક વિવાદ ઉભા થયા છે. નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે મનપાએ તો હાથ ખંખેરી નાંખ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ ડિમોલિશનને લઈ જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે.  નાસિરનગરના બેઘર બની ગયેલા લોકો જ્યારે મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે મનપાએ ડિમોલિશન કરવાથી નનૈયો ભણી દીધો. તો આ ડિમોલિશન કોણે કર્યું તે મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદારો કે મહાપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Continues below advertisement

 કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડિમોલિશન કરાયું હોવાની ચર્ચા 

Continues below advertisement

હાલ તો સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એવી વહેતી થઈ છે કે કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડિમોલિશન કરાયું છે. જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ હતો ત્યારે સવાલ તો એ થાય કે આ નકલી પ્રશાસનને કોની રહેમનજર હેઠળ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું. આ આખી ઘટના પાછળ કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને બિલ્ડર લોબીની આર્થિક સાંઠગાંઠ હોવાની વિગતો પણ સપાટી પર આવી રહી છે. જે જગ્યાએ આ વિવાદાસ્પદ ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલીશાન નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બિલ્ડરના પ્રોજેક્ટને મોટો રોડ ફ્રન્ટેજ આપવા અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આખી ગોઠવણ થઈ હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ દાવો કર્યો કે આ સ્લમ વસાહત 60 વર્ષ જૂની છે, જેના વેરા બિલ પર સ્પષ્ટપણે 'કતારગામ ઝોન' અને જમીન માલિક તરીકે 'સુરત મહાનગરપાલિકા' લખેલું છે. આ વસાહતમાં આજે ચોથી પેઢી વસવાટ કરી રહી છે, તેને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વિના ઘરવિહોણી કરી દેવાઈ છે.આ વિસ્તાર કતારગામ ઝોનમાં આવે છે છતાં તોડફોડ માટે સેન્ટ્રલ ઝોનની ટીમ કેમ કાર્યરત હતી? 

આ પણ વાંચોઃ અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ડિમોલિશન સેન્ટ્રલ ઝોન તરફથી કરાયું નથી. ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ ચાલી રહી છે. સેન્ટ્રલ ઝોન તરફથી માત્ર લાઈન દોરીની કામગીરી કરાઈ હતી. સુરત મનપાનો સેન્ટ્રલ ઝોન માત્ર લાઈન દોરવા ગઈ હતી. ડિમોલિશન કોણ કરી ગયું તે તપાસના અંતે જાણ થશે. 

ડિમોલિશનને લઈ વિવાદ પર મનપા પ્રશાસને મૌન જાળવ્યું હતું. ડિમોલિશનના 3 દિવસ બાદ પણ મનપા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વગર નોટિસે ડિમોલિશન થયાનો સ્થાનિકોનો આરોપ છે. કોઈ જમીન માફિયાને લાભ અપાવવા ડિમોલિશન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલા વિવાદની વચ્ચે પણ સુરત મનપા કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નહીં.