સુરત: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આજે કોરોના વાયરસના નવા 1115 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોનાથી મૃત્યુ થયું હતું. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 224 નવા કેસ નોંધાયા હતા. તેના બાદ સૌથી વધુ કેસ સુરત શહેરમાં 138 નવા કેસ નોંધાયા હતા.


સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં 138 કેસ નોંધાયા હતા તેની સામે 153 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે સુરત જિલ્લામાં નવા 31 કેસ નોંધાયા હતા, આજે સુરત કોર્પોરેશનમાં કુલ 3 લોકોના મોત થયા છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અને હાલ પૂરતું કર્ફ્યુ હટાવવામાં નહીં આવે.

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,32,118 પર પહોંચી છે. રાજ્યમાં આજે કુલ 1305 દર્દી સાજા થયા હતા તેની સાથે અત્યાર સુધી કુલ 2,15,528 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.82 ટકા છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4211 પર પહોંચ્યો છે.