મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં બે દિવસ બાદ નવો કેસ સામે આવ્યો છે. જેમાં વિજલપોર શહેરના ગૌતમ નગર વિસ્તારમાં રહેતા 51 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ બાદ દર્દીને કોવિડ19 હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી શું છે તેની તપાસ તંત્ર કરી રહ્યું છે. આ સાથે જ નવસારીમાં નવા એક કેસ સાથે કુલ કેસની સંખ્યા 35એ પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
જિલ્લામાં હાલમાં એક દર્દીના મોત સાથે કુલ 11 કેસ એક્ટિવ છે. જેમાંથી એક દર્દીને વાપી ખાતે સારવાર આપવામાં આવી રહી છે.
ગુરુવારના રાજ્ય સરકારના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 38 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 25, સુરત 4, આણંદ, અરવલ્લી, ભાવનગર, બનાસકાંઠા,ખેડા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1385 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 15109 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5573 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને5512 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 72 હજાર 924 ટેસ્ટ કરવામાં આવ્યા છે.