સુરતઃ સુરતમાં કોરોનાના કેસો વધી રહ્યા થછે ત્યારે હવે વધુ એક ધારાસભ્યને કોરોના થયો છે. સુરતમાં કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે સુરતમાં ત્રણ ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા હતા.

સુરતમાં અગાઉ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને સુરત ઉત્તરના કાંતિ બલ્લર કોરોનાનો ભોગ બન્યા હતા. હવે પ્રવિણ ઘોઘારીના રૂપમાં બાદ વધુ એક ધારાસભ્ય કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

કરંજના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. ટ્વીટ કરતાં તેમણે લખ્યું કે- મિત્રો, આજરોજ,મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે, પાછલા 4-5 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ તમામને રિપોર્ટ કઢાવી લેવા વિનંત.

સુરત શહેરમાં 185 અને જિલ્લામાં 92 સહિત સુરતમાં શનિવારે કોરોનાના 277 કેસ પોઝિટિવ નોંધાયા હતા. સુરતમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 22310 થઈ છે. શનિવારે સુરતમાં 4 પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજતાં શહેર જિલ્લામાં કુલ મૃતાંક 837 થઈ ગયો છે. શનિવારે શહેરમાં 332 અને જિલ્લામાં 64 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.