સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના ફક્ત 3 જિલ્લામાં કોરોનાના 37 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. આજે સુરત જિલ્લામાં 19, ભરુચ જિલ્લામાં 10 અને નવસારી જિલ્લામાં કોરોનાના 8 કેસ નોંધાયા છે. અમદાવાદ પછી સુરત જિલ્લામાં કોરોનાના કેસો સૌથી વધુ છે, ત્યારે આજે બપોર સુધીમાં સુરત જિલ્લામાં નવા 19 કેસ નોંધાયા છે.


આજે સુરતમાં નવા નોંધાયેલા કેસોની વાત કરીએ તો કામરેજમાં નવા 6 મળી કુલ 121 , પલસાણામાં નવા 3 મળી કુલ 52 , ઉમરપાડામાં નવા 3 મળી કુલ 19 અને ઓલપાડમાં નવા 3 મળી કુલ 74 કેસ નોંધાયા છે. માંડવીમાં નવા 2 મળી કુલ 17, બારડોલીમાં નવો 1 મળી કુલ 19 અને ચોર્યાશીમાં નવો 1 મળી કુલ 57 કેસ નોંધાયા છે.

ભરુચ જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો છે. આજે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ભરુચ શહેરમાં 5, અંકલેશ્વર નવી દીવીમાં 1, આમોદમાં એક અને જંબુસરમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 171 ઉપર પહોંચી ગઈ છે. નવસારી જિલ્લામાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલિંગ વધારતા કેસો સામે આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 8 લોકો પોઝિટિવ આવ્યા છે. શહેરમાં લાલબત્તી સમાન કેસ આવતા લોકોએ સક્રિય થવું સમયની માંગ છે.