નવસારીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી જિલ્લામાં આજે કોરોનાના નવા 8 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલિંગ વધારતા કેસો સામે આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 8 લોકો પોઝિટિવ આવ્યા છે. શહેરમાં લાલબત્તી સમાન કેસ આવતા લોકોએ સક્રિય થવું સમયની માંગ છે.


નવસારી જિલ્લામાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 14 એક્ટિવ કેસો હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 38 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 26 દર્દીઓનાં મોત થયા છે અને 604 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 28429 પર પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1711 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 20521 દર્દી સાજા થયા છે.