સુરત: કોરોના વાયરસને કારણે સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે સુરતમાં લોકડાઉન વચ્ચે અનોખા લગ્ન યોજાયાં હતાં. ઘરના ધાબા પર મૂહૂર્ત સાચવવા યુગલ લગ્નના બંધને બંધાયા હતાં. માતા-પિતાની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને યોજાયેલા લગ્નમાં મહેમાનોએ ઓનલાઈન વીડિયોથી જોડાઈને આશિર્વાદ આપ્યાં હતાં.

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. ત્યારે લોકડાઉનના કારણે તમામ લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમો રદ થયા છે અથવા તો મોકૂફ રાખવામાં આવ્યા છે. લોકોને ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી છે. આ તમામ વિપદા વચ્ચે અનોખા લગ્ન યોજાયા હતા. ટેક્સટાઈલ વ્યવસાય સાથે જોડાયેલા દીશાંક પુનામીયાના લગ્ન 16/04/2020ના રોજ સુરતમાં રહેતી પૂજા ગૌતમભાઈ જૈન સાથે નક્કી કરવામાં આવ્યા હતાં.

6 મહિના પહેલા લગ્નની તારીખ પણ લેવામાં આવી હતી. પરિવારોમાં ખુશીનો માહોલ હતો અને રાજસ્થાન ખાતે જઈ ધામધૂમપૂર્વક લગ્નનું આયોજન પણ કરવાનું પણ વિચાર્યું હતું. જોકે કોરોના વાયરસની મહામારીને લઈને ભારત લોકડાઉન થઈ ગયું અને તેઓ રાજસ્થાન જઈ ન શક્યા અને આખરે લગ્નની તારીખ હોવાથી તેઓએ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ઘરના ધાબા પર જઈ માતા-પિતાની હાજરીમાં જ લગ્નગથ્રી જોડાયાં હતાં.

આ અનોખા લગ્નમાં દંપતીએ ખાસ કાળજી રાખી હતી. તેઓએ માસ્ક અને હાથમાં મોજા પહેરીને લગ્નની વિધિમાં બેઠા હતાં. આ ઉપરાંત પરિવારજનોએ વીડિયો કોન્ફરસથી લગ્નની વિધિ નિહાળી હતી. લગ્નવિધિ દરમિયાન માસ્ક, સેનેટાઈઝર, ગ્લવ્ઝની તકેદારી પણ લેવામાં આવી હતી.

અગાસી પર સાદાઈથી લગ્ન કરી દંપતી ખુશ છે ત્યાર બાદ તેઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનનું પાલન કરવું તે દરેક નાગરિકની ફરજ છે અમે પણ આ લોક ડાઉનનું પાલન કરીએ છીએ સાથે જ લોકોને ઘરમાં રહેવા અને લોક ડાઉનનું પાલન કરવા દંપતીએ લોકોને અપીલ પણ કરી હતી.