સુરતઃ સુરતમાં વધુ એક નરાધમને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરના પાંડેસરામાં માતા-બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સુરત કોર્ટે આરોપી હર્ષ સહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો હતો. તે સિવાય આરોપીને મદદ કરનાર હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટ આવતીકાલે બંન્ને નરાધમોને સજા સંભળાવશે. નોંધનીય છે કે આરોપીએ બાળકી અને તેની માતાની હત્યા કરી મૃતદેહને ફેંકી દીધા હતા.


આરોપીએ માતા અને બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેમની હત્યા કરી દીધી હતી. બાદમાં બંન્નેની લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. માતા અને બાળકીને ઢોર માર મારી હત્યા કરી નાખી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.


ગાંધીનગરમાં ફોઇના દીકરાએ સગીરાને ગર્ભવતી બનાવી


ગાંધીનગરમાં ફોઈનાં દીકરાએ સગીરા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના આવતા ચકચાર મચી ગઈ છે. ગર્ભવતી સગીરાની ચૂપચાપ ડીલીવરી કરાવી નવજાત બાળકીને ત્યજી દીધી હતી. સાંતેજ પોલીસ મથકમાં ફુઈ-ફુવા, તેના દીકરા અને તેની પત્ની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચે ગુપ્તરાહે તપાસ આદરી સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, ઉનાલી ગામે વાડામાં ખુલ્લી જગ્યામાંથી નવજાત બાળકી ત્યજેલી  હાલતમાં મળી આવી હતી. લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરતાં ફોઇનાં દીકરાએ જ સગીરા સાથે શારીરિક સંબંધો બાંધતા ગર્ભવતી થઈ ગઈ હોવાનો ખુલાસો થયો હતો. ગર્ભવતી સગીરાની ફોઈ અને તેના દીકરા તેમજ તેની પત્નીએ ચૂપચાપ ડીલીવરી કરાવીને નવજાત બાળકીને ત્યજી દીધી હતી. 


ત્રણ દિવસ અગાઉ ઉનાલી ગામમાં વાડાની ખુલ્લી જગ્યામાંથી નવજાત બાળકી મળી આવી હતી. આ અંગે પોલીસને તપાસમાં બાતમી મળી હતી કે, બાળકીને ત્યજી દેનાર માતા રાચરડા ગામે એક ફાર્મ હાઉસનાં મકાનમાં રહે છે. એલસીબીની ટીમ સ્થળ પર તપાસ કરતાં બાળકીને જન્મ આપનાર સગીરા હોવાનો ખુલાસો થયો હતો. તેમજ ખૂદ ફોઇના દીકરાએ તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનો પણ ખુલાસો થયો હતો. સગીરા નાનપણથી તેની ફોઇના ઘરે કલોલના ઉનાલી ગામે રહીને અભ્યાસ કરતી હતી.