સુરત: સુરત મહાનગરપાલિકામાં શાનદાર પ્રર્દશન કરતા આમ આદમી પાર્ટીએ 27 બેઠકો પર જીત મેળવી છે. આપની આ જીતને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે સુરતમાં રોડ શો કર્યો હતો અને એક જનસભાને સંબોધી હતી. સુરત મનપાના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચે ટ્વિટર પર શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયુ છે.



ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ ડૂલ થવા પર ટ્વિટથી કટાક્ષ કર્યો હતો. પાટીલે કહ્યું હતુ કે, AAPની 3 શહેરમાં 100%, 2 શહેરમાં 90% ડિપોઝિટ ડૂલ થઇ ગઈ છે. ડિપોઝિટ ડૂલ થવાનો જશ્ન મનાવવા કેજરીવાલે રોડ શો કર્યો છે કે શું કેજરીવાલે કહ્યું સુરતમાં 27 સીટ જીત્યા પણ કેજરીવાલે આપની ડિપોઝિટો ડૂલ થઇ તે વાત ન કરી.



સીઆર પાટીલના આ ટ્વિટનો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જવાબ આપ્યો હતો. ગુજરાતની જનતા ઉજવણી કરી રહી છે. ગુજરાતમાં દરેક લોકો આપની વાત કરી રહ્યાં છે. આમ આદમીની શક્તિનું અવમૂલ્યન ન કરો.