આજે સવારે 6થી 8 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો વલસાડના ધરમપુરમાં 2.2 ઈંચ, કપરાડામાં 1.5 ઈંચ, નર્મદાના સાગબારામાં 1 ઈંચ, સુરતના બારડોલીમાં 17 એમએમ, વલસાડના પારડીમાં 14 એમએમ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના કોડીનારમાં 1 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં પણ એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો મહા વાવાજોડાના લઈને પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તો દરિયાનો પણ રંગ બદલાયો છે. દરિયામાં ભારે પવન અને કરંટ હોવાના કારણે પોરબંદરની મોટાભાગની બોટ કિનારે આવી ગઈ છે. મહા વાવાઝોડાને લઈ માછીમારો અને ખેડૂતો ચિંતિત બન્યા છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો છે.
રાજકોટના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વરસાદ પડે તો યાર્ડમાં ખેડૂતોના તૈયાર પાકને નુકસન થઈ શકે છે. મોટા ભાગના યાર્ડમાં ખુલ્લામાં મગફળી પડી છે. જૂનાગઢના માંગરોળ તેમજ માળીયા હાટીનામાં વાવાજોડાને પગલે જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે.
માંગરોળ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. એટલું જ નહીં, તમામ બોટો માંગરોળ બંદર ખાતે બોલાવી લેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દરિયો નહીં ખેડવાની માછીમારોને સૂચના અપાઇ છે. હાલ, માંગરોળમાં વરસાદનો પ્રારંભ પણ થઈ ગયો છે.
ભાવનગર શહેરમાં વહેલી સવા થી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અલગ અલગ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના વાઘાવાડી રોડ, કળાનાળા વિસ્તાર, કાલુભા રોડ, જશોનાથ સર્કલ વિસ્તાર, ભીડભંજન ચોક વિસ્તાર, કળિયાબીડ સહિતના વિસ્તાર કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં સાર્વત્રિક ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો છે. માંડવીથી કીમ સુધીના ધોરી માર્ગ પર વરસાદ પડી રહ્યો છે. કામરેજ અને ઓલપાડમાં પણ વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ધરમપુર, પારડી અને વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તાપી જિલ્લામાં સવારથી વતારાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ ઝરમર વરસાદ શરૂ થયો છે. વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના આજુ બાજુના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરુ થયો છે.
નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. મોડી રાતથી નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. નવસારી શહેરમાં રાત્રે 12થી સવારના 6 વાગ્યા સુધીમાં 13મીમી વરસાદ પડ્યો હતો. ઝલાલપોરમાં 5મીમી વરસાદ, વાંસદા 8મીમી, ચિખલી 13મીમી, ગણદેવી 10મીમી, ખેરગામ 17મીમી વરસાદ નોંધાયો હતો.