ડાંગઃ સાપુતારા તળેટી વિસ્તારમાં 11 સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધોરણ 11 સાયન્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે. વિદ્યાર્થી  દિવાળી વેકેશન બાદ ગઈ કાલે જ હોસ્ટેલ પરત ફર્યો હતો. વિદ્યાર્થીએ સ્કૂલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં આપઘાત કરી લીધો છે. 


સુરતઃ ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને આદેશ આપ્યો છે કે, ટ્રાફિકના નિયમો તોડવા બદલ કોઈ પણ વ્યક્તિ સાથે ગુનેગાર જેવું વર્તન ના કરાવું જોઈએ. સુરતમાં રવિવારે રાત્રે પોલીસ ગૌરવ સમારોહમાં મહત્વપૂર્ણ નિવેદન કરતાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી તેથી તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ.


સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી ને કહ્યું કે, પોલીસ તંત્રે પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એવી વ્યવસ્થા ઊભી કરવી છે કે નવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવાનો ક્યારેય મોકો જ ન આવે. એ પ્રકારનો ખૌફ લોકોની અંદર હોવો જ જોઇએ અને આવનારા દિવસોમાં આપણે ઉભી કરશું. પરંતુ પોલીસનો ખૌફ એટલે કોઈ ટ્રાફિક પોલીસ એક સામાન્ય નાગરિકને ઊભો રાખે અને એક હેલ્મેટ નથી પહેર્યું તો એની જોડે ગુનેગાર જેવું વર્તન નહીં કરતાં. એક ગૃહમંત્રી તરીકે હું સૂચન પણ આપું છું અને સૂચના પણ આપું છું. આ શહેરના એક એક નાગરિક એ તમારી ઉપર ગર્વ અનુભવે છે. પરંતુ તમારો એક નાનો વ્યવહાર પણ ખરાબ થશે તો આખા પોલીસ આલમને ક્યાંકને ક્યાંક બદનામી આપશે. 


બાયડઃ અરવલ્લી જિલ્લામાં બાયડના પૂજાપુરમાં ગત ગુરુવારે રાત્રે 15 વર્ષીય સગીરની હત્યા થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે ત્રણ જ દિવસમાં સગીરની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. કિશોરની હત્યા કરનાર તેનો કૌટુંબિક ભાઇ હોવાનું બહાર આવ્યું છે. હત્યારાએ માતા સાથે મૃતકના આડાસંબંધનો વહેમ રાખી કુહાડીના ઘા મારી સગીરને મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની તપાસમાં બહાર આવતાં ચકચાર મચી ગઈ છે.


બાયડ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ગુરુવારે  રાત્રે બાયડના પૂજાપુરનો 15 વર્ષીય સગીર ઘરે જમવા બેઠો હતો. દરમિયાન તેને ફોન આવતાં બહાર ગયો હતો. ઘરેથી નીકળ્યા પછી મોડે સુધી પરત ન ફરતાં સમગ્ર પરિવારે ભારે શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી રીતે ઘરની પાછળથી લોહીલુહાણ હાલતમાં સગીરની લાશ મળી આવતાં પરિવાર ભાંગી પડ્યો હતો. 


બાયડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. પોલીસને મૃતકના કૌટુંબિક કિશોર પર શંકા જતાં વધુ કડકાઈથી પૂછતાં સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. મૃતકને તેના કૌટુંબિક ભાઇની માતા સાથે આડાસંબંધ હોવાનો વહેમ હોવાને લઇ તેની કુહાડીથી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે ધો.11 માં ભણતા સગીરના કૌટુંબીકભાઈની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.