સુરતઃ ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને આદેશ આપ્યો છે કે, ટ્રાફિકના નિયમો તોડવા બદલ કોઈ પણ વ્યક્તિ સાથે ગુનેગાર જેવું વર્તન ના કરાવું જોઈએ. સુરતમાં રવિવારે રાત્રે પોલીસ ગૌરવ સમારોહમાં મહત્વપૂર્ણ નિવેદન કરતાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ટ્રાફિક નિયમ તોડનાર રીઢા ગુનેગાર નથી તેથી તેમની સાથે માનવીય વર્તન કરવું જોઈએ.


સુરતમાં પોલીસ ગૌરવ સમારોહ અંતર્ગત પોલીસ ના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી ને કહ્યું કે, પોલીસ તંત્રે પોલીસની છબી સુધારવા માટે કાર્ય કરવું પડશે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં એવી વ્યવસ્થા ઊભી કરવી છે કે નવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવાનો ક્યારેય મોકો જ ન આવે. એ પ્રકારનો ખૌફ લોકોની અંદર હોવો જ જોઇએ અને આવનારા દિવસોમાં આપણે ઉભી કરશું. પરંતુ પોલીસનો ખૌફ એટલે કોઈ ટ્રાફિક પોલીસ એક સામાન્ય નાગરિકને ઊભો રાખે અને એક હેલ્મેટ નથી પહેર્યું તો એની જોડે ગુનેગાર જેવું વર્તન નહીં કરતાં. એક ગૃહમંત્રી તરીકે હું સૂચન પણ આપું છું અને સૂચના પણ આપું છું. આ શહેરના એક એક નાગરિક એ તમારી ઉપર ગર્વ અનુભવે છે. પરંતુ તમારો એક નાનો વ્યવહાર પણ ખરાબ થશે તો આખા પોલીસ આલમને ક્યાંકને ક્યાંક બદનામી આપશે. 



 


અમરેલીઃ ધારીના ચલાલા ગામે હરિધામ સોસાયટીમાં ગઈ કાલે બપોરે માતાએ બે દીકરીઓ સાથે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી. આ બનાવને લઇને નાનકડા ચલાલા ગામ અને સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ.


ધારી નજીક ચલાલા ગામે હરિધામ સોસાયટીમાં રહેતા દેવમુરારી પરિવારના સોનલબેન ભરતભાઇ દેવમુરારી ઉંમર-40 વર્ષ તેમજ દીકરી હિતાલી ભરતભાઇ દેવમુરારી ઉંમર-14 વર્ષ અને 3 માસની દીકરી ખુશી ભરતભાઇ દેવમુરારીનું મોત નીપજ્યું છે. ચલાલા મુકામે રહીને ભરતભાઈ વેવસાઈ દળવાની ઘંટી ચલાવતા હતા બંને દીકરીઓની માતા સોનલબેન જાતે અને બન્ને દીકરીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી લીધી હતી.


 ઘટનાની જાણ આસપાસ લોકોને થતા તેઓએ તુરત જ સોનલબેનના પતિ ભરતભાઇ દેવમુરારીને જાણ કરી હતી, પરંતુ ભરતભાઇ ઘરે પહોંચે તે પહેલાં જ માતા અને બંને દીકરીઓ બળીને ભડથું થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલાના ડીવાયએસપી કે.જે.ચૌધરી તેમજ ચલાલા પોલીસ ધારીના મામલતદાર અને ચલાલા નગરપાલિકા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર પતિ અને પત્નીને ઘણા સમયથી ગૃહ કંકાસ ચાલી રહ્યો હતો, જેને લઈને આજે માતાએ બંને પુત્રીઓ ઉપર કેરોસીન છાંટીને આત્મહત્યા કરી હતી. આ સમગ્ર વિગત સાવરકુંડલા ડીવાયએસપી એ જણાવી હતી.


હરિધામ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આગ લાગી તેવી જાણ નગરપાલિકાને થતાં નગરપાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આસપાસના રહીશો દ્વારા આગને બુજવવામાં આવી હતી. બંને દીકરી અને માતાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એક જ ઘરના ત્રણ વ્યક્તિ આત્મહત્યા કરી મોતને ભેટ્યા હતા. ત્રણે મૃતકને પી.એમ.અર્થે ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા. આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા.