સુરત: રક્ષામંત્રી રાજનાથ સિંહે કાશ્મીર અને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએ. નહીં તો કોઈ પણ તેના ટુકડા થવાથી રોકી શકશે નહીં. રાજનાથ સિંહે શનિવાર રાત્રે સુરતમાં 122 શહીદ જવાનોની શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો માટે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને POK પર જ થશે.


રાજનાથ સિંહે કહ્યું, “પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના લોકોને સલાહ આપી છે કે તેઓએ લાઈન ઓફ કંટ્રોલને પાર કરવી નહીં કારણ કે ભારતીય સેના તૈયાર છે. જો તેઓ સીમા પાર કરીને આવ્યા તો તેઓ પાછા જઈ શકશે નહીં.


રક્ષામંત્રીએ કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરમાંથી 370 હટાવવાના ભારતના નિર્ણયને પચાવી શક્યું નથી અને અન્ય દેશોને પણ ગેરમાર્ગે દોરીને વાતને યૂએન સુધી લઈ ગયા હતા પરંતું તેને કંઈ નથી મળ્યું. પાડોશી દેશને ભારતના વિકાસ અને પ્રગતિથી ઇર્ષા થાય છે.
તેઓએ કહ્યું કે પાકિસ્તાનને તોડવાની જરૂર નથી તે પોતે જ ટૂકડે ટૂકડા થઈ જશે. પાકિસ્તાને આતંકવાદનું સમર્થન બંધ કરી દેવું જોઈએ. નહીં તો તેને તૂટવાથી કોઈ રોકી શકશે નહીં. તેમએ કહ્યું કે તે પૂર્વમાં બે ટુકડામાં 0તૂટી ગયું છે અને જે રીતે પોતાના અલ્પસંખ્યકો-બલુચીઓ, સિંધીઓ સાથે વ્યવહાર કરી રહ્યું છે તેને લઇ પાકિસ્તાનના ગમે ત્યારે ભાગલા થઈ જશે.