સુરતઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ કરેલા શાનદાર દેખાવના પગલે રોડ શો માટે દિલ્હીથી સુરત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ સુરતમાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરના ઘરે કાઠિયાવાડી ભોજન લીધું હતું.


કેજરીવાલે આમ આદમી પાર્ટી (આપ)ના ગુજરાતના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાના ઘરે સાદું ભોજન લીધું હતું. અરવિંદ કેજરીવાલે શાક, રોટલી, દાળ, ભાત, ખમણ, ઢોકળા, ઉંધ્યું, છોલેનું શાક, ચુરમાના લાડુ, પાત્રા, સમોસા,ચંટણી, સલાડ, પાપડ, કેરીનું કચુંબર, છાશ ખાધાં હતાં. આ ઉપરાંત ગુલાબજાબું અને મઠ્ઠો એ બે મીઠાઈ પણ ખાધી હતી.

અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાત દરમિયાન અરવિંદ કેજરીવાલ બપોરે આમ આદમી પાર્ટી (આપ) સંગઠન મંત્રી મનોજ સોરઠીયાના ઘરે ગયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટાયેલા આમ આદમી પાર્ટી (આપ)ના 24 કોર્પોરેટરો સાથે કાઠિયાવાડી ભોજન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત પ્રદેશ આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તથા અન્ય આગેવાનો પણ ભોજનમાં જોડાયા હતા.

સુરત આવેલા અરવિંદ કેજરીવાલે સર્કિટ હાઉસ ખાતે સુરતના આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો સાથે બેઠક કરીને તેમને પૂરી તાકાતથી પ્રજાના પ્રશ્નો ઉઠાવવા હાકલ કરી હતી. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો સાથે કેજરીવાલે વાતચીત કરી હતી. આમ આદમી પાર્ટી (આપ)ના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કેજરીવાલે પાટીદાર આગેવાનો સાથે વાત કરી હતી અને તેમનો આભાર માન્યો હતો. વરાછા ખાતે દ્વારકેશ નગરી સોસાયટીમાં વિજયી 27 કોર્પોરેટર સાથે કેજરીવાલ વાત કરશે.