સુરતઃ કતારગામ વિસ્તારમાં રહેતી બે સંતાનોની માતા એવી યુવતીને લાયસંસ કઢાવવાના બહાને 48 વર્ષના પુરૂષે આરટીઓ કચેરીએ બોલાવીને પછી હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધ્યા હતા. પુરૂષે યુવતી સાથે શરીર સુખના ફોટો પાડી લીધા હતા ને આ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર શરીર સુખ માણ્યું હતું. આ કેસમાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં જેલવાસ ભોગવતા આરોપી પાડોશી આધેડના જામીનની અરજીને એડીશ્નલ સેશન્સ જજ શ્રીમતી આરતી વ્યાસે નકારી કાઢી છે.


કતારગામ ખાતે રહેતા તથા ઓટો ગેરેજનો ધંધો કરતા 48 વર્ષીય આરોપી અપરીણિત છે. આ આરોપી સામે સંતાનોની માતા એવી યુવતીએ કતારગામ પોલીસમાં આપત્તિજનક ફોટા વાયરલ કરવાના નામે એકથી વધુવાર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાની સામેના ઘરે રહેતા અપરિણીત પુરૂષે લાયસંસ કઢાવી આપવાના બહાને પરિણીતાને આરટીઓ કચેરી બોલાવી હતી. ત્યાંથી ડુમસની એક હોટલમાં લઇ ગયો હતો અને ઘેનવાળું પ્રવાહી પીવડાવી લગ્ન થયા હોય તેવા ફોટો પાડી લીધા હતા. આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી એકથી વધુ વાર શરીર સુખ માણ્યું હતું.

યુવતીની ફરિયાદના પગલે આરોપીને કતારગામ પોલીસે જેલભેગો કર્યો હતો. આ કેસમાં આરોપીએ સુનાવણીમાં જણાવાયું કે, આરોપી તથા ભોગ બનનાર વચ્ચે પ્રેમસંબંધ હતો ને તેની સંમતિથી જ શારીરિક સંબંધ બાંધ્યા હતા પણ પારિવારીક કે સામાજિક દબાણમાં આવી ખોટી રીતે ગુનામાં સંડોવીને ફરિયાદ કરી છે. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યુ હતું કે, આરોપી સામે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. આરોપીને જામીન પર છોડવાથી સાક્ષી પુરાવાને ધમકાવે તેવી સંભાવના છે તેથી જામીન ન આપવા જોઈએ.