સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં કોરોનાના સંક્રમણ વધવા લાગતા હીરાના કારાખાના બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે હવે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ હીરા ઉદ્યોગ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આગામી 10 જુલાઈથી હીરા બજાર ચાલુ થશે.
તેમજ આગામી 14 જુલાઈથી હીરાના કારખાના ચાલુ થશે. હીરા બજાર અને કારખાનાને ગાઈડલાઈન આપવામાં આવશે. આ ગાઈડલાઈનનો કડક અમલ કરવામાં આવશે. નોંધનીય છે કે, સુરતમાં કોરોનાના કેસો વધવા લાગતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા હતા. આ પછી ખૂદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સુરત આવ્યા હતા.
સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરીષદમાં ફરીથી હીરા ઉદ્યોગ શરૂ કરવાના સંકેતો આપી દીધા હતા. ત્યારે હવે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ 10મી જુલાઇથી હીરા ઉદ્યોગ શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે, હીરા ઉદ્યોગને અમુક ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.