Govindbhai Dholakia: ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.


રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે.


ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત થતાં હીરા ઉદ્યોગમાં પણ ખુશીનો માહોલ છે. સુરત ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ કહ્યું, ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ કે એમણે ઉમેદવાર તરીકે ગોવિંદ કાકાની પસંદગી કરી. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં આજે ખુશીનો માહોલ છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનેતૃત્વ મળ્યું નહોતું.


અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે ગોવિંદ ધોળકિયા


ગોવિંદ ધોળકિયા  અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના માનવામાં આવે છે.


હીરા ઉદ્યોગમાં રામકૃષ્ણ ડાયમંડ્સના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ મૂઠ્ઠી ઊંચેરું નામ ગણાય છે. ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં એમણે આગવી કાર્યપદ્ધતિ અને આધ્યાત્મિક સ્વભાવને લઈ આગવી ઓળખ ઊભી કરી છે. મૂળ અમરેલીના દૂધાળાના વતની ગોવિંદભાઈએ સાઠના દાયકામાં નાની ઉંમરે હીરા ઘસવાથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને સંઘર્ષ કરી તળિયેથી ટોચે પહોંચી હીરાઉદ્યોગમાં ઈતિહાસ રચી દીધો હતો.


6000થી વધુ લોકોને આપે છે રોજગારી

માત્ર સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈએ આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાપૂર્વક SRK એમ્પાયર ઊભું કર્યું છે, જેમાં 6000થી વધુ લોકોને રોજગારી મળે છે. તેઓ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય સેવામાં એમનું મોટું યોગદાન રહ્યું છે. એક સફળ ઉદ્યોગપતિની જિંદગી ઝાકમઝોળથી ભરેલી હોય એવી માન્યતાને સાદગીભર્યું સિદ્ધાંતપૂર્વકની આગવી જીવનશૈલી અપનાવી ગોવિંદકાકાએ જીવન જીવવાની ફિલોસોફી એમનાં સામાજિક કાર્યોમાં દર્શાવી છે. તેમની આ સિદ્ધિને ધ્યાને લઈ અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ડો.ગોવિંદભાઈ ધોળકિયા ભલે ઓછું ભણેલા હશે, પણ એમની કોઠાસૂઝ કોઈપણ કોર્પોરેટને શરમાવે એવા વ્યવસાયી છે