સુરતઃ સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં મંદીનો સામનો કરી રહ્યો છે. અનેક નાના-મોટા હીરાના કારખાનાઓ બંધ થઇ જતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કફોડી થઇ રહી છે ત્યારે સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ રત્નકલાકારોને છૂટા કર્યા છે. કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. કંપની નુક્સાન કરતી હોવાનું કારણ આપી તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. અચાનક જ છૂટા કરવામાં આવતા હાલ રત્નકાલાકારો આર્થીક ભીંસમાં મુકાયા છે.


મળતી જાણકારી અનુસાર, હાલમાં સમગ્ર દેશમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુરતનો ડાયમંડ ઉદ્યોગને પણ તેની અસર થતી જોવા મળી રહી છે. સુરતના કતારગામમાં આવેલી ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્નકલાકારો રોષે ભરાયા હતા. આમ અચાનક રત્ન કલાકારોને છૂટા કરવામાં આવતા તેમણે વિકાસ સંઘને રજૂઆત કરી હતી. રત્નકલાકારોનું કહેવું છે કે ઘણા સમયથી તેમની આર્થિક સ્થિતિ સારી નથી એવામાં આમ અચાનક તેમને છૂટા કરી દેવાતા તેઓની સ્થિતિ કફોડી બની છે.

જોકે, કંપનીનું કહેવું છે કે કંપની નુકસાન કરી રહી હતી જેના કારણે તેમને છૂટા કરવામાં આવ્યા છે. રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાએ કહ્યું કે, હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. દિવાળી આવી રહી છે ત્યારે હવે કારખાનામાંથી છૂટા કરી દેતા તેમને ક્યાં જવું તે પ્રશ્ન છે. અમે રત્નકલાકારોના હિત માટે લડત ચલાવીશું અને તમામને તેમના હક્ક મળી રહે તે માટે અમે પગલાં લઈશું.