સુરતઃ સુરતમાં આર્થિક સંકડામણના કારણે વધુ એક રત્નકલાકારે આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક મંદી વધુ એક રત્નકલાકારને ભરખી ગઈ હતી. અમરોલી વિસ્તારમાં રહેતા એક રત્નકલાકારે મંદીના કારણે મકાનના હપ્તા ન ભરી શકવાને કારણે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. LIC HFL બેન્ક ના હપ્તા ન ભરાતા બેન્ક દ્વારા મકાનમાં નોટિસ મારવામાં આવી હતી.જેના કારણે રત્ન કલાકાર ને માઠું લાગી આવતા આત્મહત્યા કરી હતી.નોટિસ કોઈ કાગળ માં નહીં પરંતુ ઘરની દીવાલ પર લખાણ કરી મારવામાં આવી હતી. આ અંગે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે 22 વર્ષીય યુવક નયન રમેશ લખાણીયા સુરતના અમરોલી વિસ્તારમાં મંગલમ રેસિડેન્સીમાં રહેતો હતો. નયને LIC HFL બેંકમાંથી હોમ લોન લીધી હતી. જેના હપ્તા તે ચુકવી શક્યો ન હતો. જે બાદમાં બેંક તરફથી તેના ઘરની બહાર નોટિસ લખવામાં આવી હતી. નયન તેના માતાપિતા સાથે ફ્લેટમાં રહેતો હતો. મળતી માહિતી પ્રમાણે નયનના પિતા તેના લગ્ન માટે કોઈ સારી છોકરીની શોધમાં હતા. દીકરા ધામધૂમથી લગ્ન કરવાને બદલે હવે પિતાએ જુવાનજોધ દીકરાને કાંધ આપવાનો વારો આવ્યો છે.