સુરતઃ શહેરના જહાંગીરુપારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે. પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. જોકે, પતિ અને પ્રેમી વચ્ચે મારામારી દરમિયાન બંને ઊંડા તળાવમાં ખાબકતા બંનેના મોત થયા છે. ઘટના બાબતે જહાંગીર પોલીસે કડક તપાસ કરતા પ્રેમીકા બનેલી પત્ની ભાંગી પડી હતી અને જે હકિકત જણાવી તે જાણી બધા ચોંકી ગયા હતા. યુવતી પ્રેમીને પામવા જતાં પતિ અને પ્રેમી બંનેને ખોવાનો વારો આવ્યો છે. આ અજીબોગરીબ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે.

નોંધનીય છે કે, ઓલપાડ-સાયણ વચ્ચેના કોસમ-કટાડા પાસેના તળાવમાંથી આ બંને યુવકોની લાશ મળી આવી હતી. જેમાંથી એક રાંદેર વિસ્તારમાં રહેતા કમલ યોગેશભાઈ પટેલ(ઉ.વ.34)ની હતી. તેને પરિવારમાં પત્ની ખૂશ્બૂ અને દીકરી છે. ખૂશ્બૂને તુષાર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતા. જોકે, આ પ્રેમ સંબંધમાં પતિ આડખીલી બનતો હોય તેનો કાંટો કાઢી નાંખવા ખૂશ્બૂએ પ્રેમી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.



આ કાવતરું પાર પડવાનું જ હતું, પરંતુ કમલ અને તુષાર વચ્ચે ઝપાઝપી દરમિયાન બંને કોસમ-કટાડા પાસે આવેલા તળાવમાં પડ્યા હતા. આ તળાવ ખૂબ ઉંડુ હોય બંને તેમાં ડૂબી જતાં મોત થયા હતા. બંનેના મોતના આઘાતમાં ખૂશ્બૂ ત્યાં જ બેભાન થઈને ઢળી પડી હતી. આ અંગે કોઈએ ખૂશ્બૂના મોબાઇલથી ફોન કરીને કમલના પરિવારને જાણ કરી હતી.



જોકે, પરિવારને ઘટનાસ્થળની સ્થિતિ જોતા તેમજ ખૂશ્બૂને કોઈ ઇજા ન થઈ હોવાનું જણાતા શંકા ઉપજી હતી. એટલું જ નહીં, તળાવમાંથી કમલ ઉપરાંત અન્ય યુવકની લાશ પણ મળી આવતાં તેમની શંકા પ્રબળ બની હતી. જેના આધારે તપાસ કરતાં તેમની શંકા સાચી ઠરી હતી. પત્ની ખૂશ્બૂએ પોલીસ સમક્ષ રહસ્ય ખોલતાં બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.