Surat: સુરતના પલસાણામાં મંગળવારના રોજ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે ડુપ્લીકેટ મસાલા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું હતું. પોલીસે બે આરોપીને 9 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપીઓ પલસાણાના ગાંગપૂરની ઓમ હરિઓમ સોસાયટીના મકાન નં 11માં કૌભાંડ ચલાવતા હતાં.
આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ ભગવતી કલાલ નામનો વ્યકિત હોવાનું સામે આવ્યું છે. જે બ્રાન્ડેડ એવરેસ્ટ અને રાજેશ મસાલાના નામે ડુપ્લીકેટ મસાલાનું વેચાણ કરતા હતાં. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ એવી સોસાયટીના મકાનમાં આ કારસ્તાન ચલાવતા હતા કે જ્યાં લોકોની અવર-જવર ઓછી રહેતી હતી. કારણ કે આ સોસાયટીમાં બનેલા મકાનો પૈકી માત્ર બે જ મકાનમાં લોકો વસવાટ કરે છે. જ્યારે બાકીના મકાન બંધ હાલતમાં છે. હાલ તો પોલીસે માસ્ટર માઈંડ ભગવતી કલાલને દબોચી લેવા તપાસ શરૂ કરી છે.
આરોપીઓ પલસાણા તાલુકાના ગાંગપૂર ગામની સીમમાં ઓમ હરિઓમ સોસાયટીના મકાન નંબર 11 માં બેખોફ બની બ્રાન્ડેડ એવરેસ્ટ મસાલાનાં નામે ડુપ્લીકેટ મસાલા બનાવતા હતા. આ સોસાયટી અવાવરી જગ્યા પર આવેલી છે. આખી સોસાયટીમાં એક બે મકાનમાં લોકો રહે છે બાકીના મકાનો બંધ હાલતમાં છે જેનો ફાયદો ઉઠાવી આરોપીઓ ડુપ્લીકેટ મસાલા બનાવતા હતા. જોકે આ બાતમી સુરત ગ્રામ્ય એલ. સી. બી પોલીસને મળતા પોલીસે રેડ કરી ઘટના સ્થળેથી મશીનરી, રો મટીરીયલ, રેપર અને ભેળસેળ કરવા વપરાતો લાકડાનો વહેર અને કલર મળી આવ્યા હતા. પોલીસે બે આરોપીની ઘટના સ્થળેથી અટક કરી છે અને 9 લાખનો મુદામાલ કબ્જે કર્યો. મુખ્ય સૂત્રધાર ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પલસાણા પોલીસ કરી રહી છે.