Surat: સુરતમાં નકલી ફેક્ટરી ઝડપાઈ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના સરથાણામાં કેનાલ રોડ ઉપર માતૃશ્રી કંપાઉન્ડમાં મહાદેવ ક્રિએશનના નામના પતરાના શેડમાં સરથાણા પોલીસે કંપની તરફથી મળેલી ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા જ્યાંથી ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલ બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું. પોલીસે ત્યાંથી પાંચ લિટરના ભરેલા 419 કેન, 605 ખાલી કેન, 250 ઢાંકણ, 7600 સ્ટીકર મળી કુલ 4.40 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી હતી.


ફેક્ટરીમાંથી રો-મટીરિયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુનો જથ્થો મળી આવ્યો હતો. લિક્વિડ જથ્થા સાથે કંપનીના લોગોવાળા સ્ટિકરો કબજે કરાયા હતા. મુંબઈની નામાંકિત કંપનીના ફિલ્ડ ઓફિસરને આ અંગેની માહિતી મળતા સરથાણા પોલીસને સાથે રાખી અહીં છાપો મારવામાં આવ્યો હતો. જે દરમિયાન કંપનીના લેબલ મારેલા ડેટોલ,હાર્પિક અને ડેટોલના નકલી લિક્વિડ પ્રોડક્ટ મોટી માત્રામાં મળી આવ્યું હતું. આ લિક્વિડ પ્રોડક્ટને ફ્લિપકાર્ટ અને અમેઝોન  પર ઓનલાઇન વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી 4.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી પ્રકાશ મૌર્ય નામના શખ્સની ધરપકડ કરી હતી.


સરથાણા પોલીસ મથક પાસેથી મળેલી માહિતી અનુસાર, નામાંકિત કંપનીના નામે નકલી લિક્વિડ પ્રોડક્ટ વેચાણ કરવામાં આવી રહી હોવાની માહિતી કંપનીના ફિલ્ડ ઓફિસર બાબુ પટેલ દ્વારા સરથાણા પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ગતરોજ સરથાણા વિસ્તારમાં આવેલા માતૃશ્રી કમ્પાઉન્ડના પતરાના શેડ બનાવેલા એક ગોડાઉનમાં કંપનીના ફિલ્ડ ઓફિસરને સાથે રાખી છાપો માર્યો હતો. જે દરમિયાન અહીંથી મોટી માત્રામાં નામાંકિત ડેટોલ, હાર્પિક સહિત લાઇઝોલ કંપનીના લિક્વિડ પ્રોડક્ટનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેની તપાસ કરતાં તમામ જથ્થો નકલી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નજીકમાં જ આવેલા એક ગોડાઉનમાંથી રો મટીરીયલ્સની ખરીદી કરી તેમાંથી આ લિક્વિડ પ્રોડક્ટ બનાવવામાં આવતી હતી. ઉપરાંત નામાંકિત કંપનીના નામે ફ્લિપકાર્ટ અને અમેઝોન પર આ નકલી પ્રોડક્ટનું ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું.


પોલીસે સ્થળ પરથી ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલના પાંચ લિટરના ભરેલા 419 કેન, ડુપ્લીકેટ હાર્પિક, લાઈઝોલ, ડેટોલના પાંચ અને એક લિટરના 605 ખાલી કેન, કેન ઉપર લગાવવાના 250 ઢાંકણ, હાર્પિક, લાઈઝોલ, ડેટોલના લોગોવાળા કુલ 7600 સ્ટીકર, 50 લિટરના ચાર ખાલી કેન, ફ્લિપકાર્ટના 125 બારકોડ મળી કુલ 4,39,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સરથાણા પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.